Last Updated on by Sampurna Samachar
જગન્નાથના રથમાં ૪૮ વર્ષે પૈડાં બદલાયા
ઈસ્કોને કંપનીને આખી સ્થિતિ સમજાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૧
ઈસ્કોન દ્વારા આયોજિત કોલકાતાની પ્રસિદ્ધ રથયાત્રા આ વર્ષે એક અનોખા ફેરફાર સાથે ભક્તો સામે આવશે. આ વખતે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ સુખોઈ ફાઈટર વિમાનના ટાયર પર સવાર થઈને ધીમી ગતિએ આગળ વધશે. છેલ્લા ૪૮ વર્ષની જૂના આ ટાયર હવે બદલાઈ જશે. અત્યાર સુધી બોઈંગ વિમાનના પૈડાની મદદથી રથ ખેંચવામાં આવતો હતો.
છેલ્લા ૪૮ વર્ષથી કોલકાતાની રથયાત્રામાં બોઈંગ ટાયરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આ ટાયર ખૂબ જૂના થઈ ગયા હતા અને છેલ્લા ૧૫ વર્ષથી બોઈંગ ટાયરના રિપ્લેસમેન્ટની શોધ ચાલુ હતી કારણ કે, હવે બોઈંગ ટાયર મળવા ખૂબ મુશ્કેલ છે. ઈસ્કોન (ISKON) ના પ્રવક્તા રાધારમણ દાસે જણાવ્યું કે, ‘સુખોઈના ટાયરનો વ્યાસ બોઈંગના ટાયર જેટલો જ છે, જેના કારણે આ વર્ષે રથમાં સુખોઈના ટાયર ફિટ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ અનોખા પરિવર્તનની પ્રક્રિયા પણ પોતાનામાં રસપ્રદ રહી છે.
ઈસ્કોનને સુખોઈ ફાઈટર જેટના ચાર ટાયર પૂરા પાડ્યા
રાધારમણ દાસના જણાવ્યા પ્રમાણે ‘ઈસ્કોને સુખોઈ ટાયર બનાવનારી કંપની પાસેથી ક્વોટેશન માગ્યું, ત્યારે કંપનીને આશ્ચર્ય થયું હતું. કંપનીના અધિકારીઓ સમજી ન શક્યા કે કોઈ તેના ટાયરનું ક્વોટેશન કેમ માગી રહ્યું છે અને તે પણ રથયાત્રા માટે. ત્યારબાદ ઈસ્કોને કંપનીને આખી સ્થિતિ સમજાવી અને તેમની એક ટીમને કોલકાતા બોલાવી અને તેમને રથ પણ બતાવ્યો. ત્યારબાદ જ કંપનીએ ઈસ્કોનને સુખોઈ ફાઈટર જેટના ચાર ટાયર પૂરા પાડ્યા. હાલમાં આ ટાયરને લગાવવાનું કામ ચાલી રહ્યું છે.
ઈસ્કોનના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘આ વર્ષની રથયાત્રામાં ભગવાન જગન્નાથ સુખોઈ ટાયરથી શણગારેલા રથ પર સવાર થઈને ભક્તોને દર્શન આપશે. આ ન માત્ર ટેકનિકલ દૃષ્ટિકોણથી એક મોટો ફેરફાર છે, પરંતુ તે પરંપરા અને આધુનિકતાના અનોખા સંગમનું પણ પ્રતીક છે.