Last Updated on by Sampurna Samachar
૩.૧૫ લાખ કરોડ રૂપિયાથી વધુનું બજેટ પ્રસ્તાવિત
ખેડૂતોને વાવણી અને ખેતી માટે આર્થિક મદદ મળી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોદી સરકાર દ્વારા દેશના કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને આગામી પાંચ વર્ષ માટે ચાલુ રાખવા માટે મંજૂરી આપી દીધી છે. હવે આ યોજના નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ થી લઈને ૨૦૩૦-૩૧ સુધી લાગુ રહેશે. સરકારે આ યોજના માટે ૩.૧૫ લાખ કરોડ રૂપિયાથી વધુનું બજેટ પ્રસ્તાવિત કર્યું છે, જેનાથી પાત્ર ખેડૂતોને પહેલાની જેમ જ આર્થિક સહાય મળતી રહેશે.

PM કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે ૬,૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમ ૨૦૦૦ રૂપિયાના ત્રણ સરખા હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવે છે. હપ્તાઓનો સમય પાક ચક્ર અનુસાર નક્કી કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને વાવણી અને ખેતીની તૈયારીઓ દરમિયાન સમયસર આર્થિક મદદ મળી શકે.
મોટાભાગના લાભાર્થીઓ નાના અને સીમાંત ખેડૂતો
સરકારે આગામી પાંચ વર્ષ માટે આ યોજના પર ૩,૧૫,૬૧૪ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સરકારનું કહેવું છે કે આ ર્નિણયથી ખેડૂતોને નિયમિત આવકનો ટેકો મળતો રહેશે અને ખેતી સંબંધિત જરૂરી ખર્ચ પૂરા કરવામાં સરળતા રહેશે. આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થવાની અપેક્ષા છે.
સરકારના જણાવ્યા મુજબ, યોજનાના હપ્તા એવા સમયે જારી કરવામાં આવે છે જ્યારે ખેડૂતોને બિયારણ, ખાતર, જંતુનાશકો અને અન્ય કૃષિ સામગ્રી ખરીદવા માટે પૈસાની સૌથી વધુ જરૂર હોય છે. આનાથી ખેડૂતોની રોકડ સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે અને તેમને ઊંચા વ્યાજે લોન લેવાની જરૂરિયાત પણ ઘટે છે.
સરકારનું કહેવું છે કે આ યોજનાના મોટાભાગના લાભાર્થીઓ નાના અને સીમાંત ખેડૂતો છે. અત્યાર સુધીમાં PM કિસાન યોજનાના ૨૩ હપ્તાઓ દ્વારા ૪.૪૭ લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ સીધી ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી ચૂકી છે. નીતિ આયોગના આકલન અનુસાર, આ યોજનાથી મોટી સંખ્યામાં ખેડૂતોની આવકમાં સુધારો થયો છે અને તેમની અનૌપચારિક દેવા પરની ર્નિભરતા પણ ઘટી છે. હવે PM કિસાન યોજનાને આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાના ર્નિણયને ખેડૂતો માટે મોટી રાહત માનવામાં આવી રહી છે.