Last Updated on by Sampurna Samachar
ભૂ-રાજકીય તણાવ પણ ભાવ અસ્થિરતાનું કારણ
હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયાના સમાચાર મળ્યા છે. મળતી માહિતી મુજબ ભાવ પ્રતિ બેરલ $ ૬૦ ની નીચે આવી ગયો છે. ત્યારે ભાવ ઘટાડા પછી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઓઈલ કંપનીઓ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડી શકે છે.
ઓઈલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા દરોમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ ભાવ સતત ઘટી રહ્યા હોવાથી, આગામી સમયમાં દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવમાંથી રાહત મળવાની અપેક્ષા છે. છેલ્લા ત્રણ વર્ષથી ઓઈલ કંપનીઓએ ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘણી વધ-ઘટ
તાજેતરના ડેટા અનુસાર, મે ૨૦૨૫ માં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. WTI ક્રૂડ ઘટીને $ ૫૬.૩૨ પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડ $ ૫૯.૩૮ પ્રતિ બેરલ પર પહોંચી ગયું. વર્ષ ૨૦૨૫ ની શરૂઆતથી બ્રેન્ટ ક્રૂડમાં લગભગ ૨૧ ટકાનો ઘટાડો થયો છે. ભાવમાં આ ઘટાડો વૈશ્વિક માંગમાં ઘટાડો અને અમેરિકા અને ચીન જેવા મુખ્ય ગ્રાહક દેશોમાં આર્થિક મંદીને કારણે છે. આ ઉપરાંત, જૂન ૨૦૨૫ થી OPEC દેશોના ઉત્પાદન વધારવાના ર્નિણયને કારણે પુરવઠો વધવાની ધારણા છે. જેની અસર ક્રૂડના ભાવ પર જોવા મળી રહી છે. ભૂ-રાજકીય તણાવ પણ ભાવ અસ્થિરતાનું કારણ બની રહ્યો છે.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘણી વધઘટ થાય છે. પરંતુ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન સ્તરે રહે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં, કેટલાક શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરથી ઉપર છે. ડીઝલનો ભાવ પ્રતિ લિટર ૯૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૯૪.૭૨ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ૮૭.૬૨ રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલ ૧૦૩.૪૪ રૂપિયા અને ડીઝલ ૮૯.૯૭ રૂપિયા પ્રતિ લિટર છે.
કોલકાતામાં પેટ્રોલ ૧૦૩.૯૪ રૂપિયા અને ડીઝલ ૯૦.૭૬ રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નાઈમાં પેટ્રોલ ૧૦૦.૮૫ રૂપિયા અને ડીઝલ ૯૨.૪૪ રૂપિયા પ્રતિ લિટર છે. બેંગલુરુમાં પેટ્રોલ ૧૦૨.૮૬ રૂપિયા અને ડીઝલ ૮૯.૦૨ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ લાંબા સમયથી સ્થિર રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં એક્સાઇઝ ડ્યુટીમાં વધારા પછી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે. પણ આવું ન થયું. ગરમી વધવાની સાથે દેશમાં પેટ્રોલ અને ડીઝલની માંગ વધી રહી છે.
એપ્રિલમાં તેની માંગમાં ચાર ટકાનો વધારો નોંધાયો છે. ઘણા મહિનાઓ સુધી વેચાણમાં ઘટાડો નોંધાયા પછી એપ્રિલમાં ડીઝલનો વપરાશ વધ્યો છે. ડેટા અનુસાર, એપ્રિલ ૨૦૨૫ માં ડીઝલનો વપરાશ વધીને ૮૨.૩ લાખ ટન થયો, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા લગભગ ૪ ટકા વધુ છે. એપ્રિલ ૨૦૨૩ની સરખામણીમાં ૫.૩ ટકા અને ૨૦૧૯ ની સરખામણીમાં ૧૦.૪૫ ટકાનો વધારો થયો છે. એપ્રિલ ૨૦૨૫માં પેટ્રોલનો વપરાશ ૪.૬ ટકા વધીને ૩૪.૩૫ લાખ ટન થયો છે.