Last Updated on by Sampurna Samachar
૩ વર્ષ બાદ ગુજરાતમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ નોંધાયું
કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફરી એકવાર દુનિયાભરમાં કોરોનાની દહેશત ફેલાઇ ગઇ છે. વર્ષ ૨૦૨૦ માં ભયાનક તબાહી મચાવનારા કૉવિડ-૧૯ એ દેશ અને ખાસ કરીને ગુજરાતમાં માથુ ઉંચક્યુ છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, એટલું જ નહીં એટલે કે ત્રણ વર્ષ બાદ કોરોનાથી ગુજરાતમાં પ્રથમ મૃત્યુ નોંધાયુ છે, આ મૃત્યુની સાથે જ તંત્ર પણ પણ દોડતુ થઇ ગયુ છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના ૩૨૦ દર્દીઓ છે જે સારવાર હેઠળ છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં કોરોના કેસોમાં ઝડપથી વધારો નોંધાઇ રહ્યો છે. તાજા હેલ્થ અપડેટમાં સામે આવેલી માહિતી ચોંકાવનારી છે, ગુજરાતમાં ત્રણ વર્ષ બાદ કોરોનાથી પ્રથમ મૃત્યુ નોંધાયુ છે.
કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ ૧૪૦૦ આંકડો પહોંચ્યો
અમદાવાદની ૪૬ વર્ષીય કોરોના સંક્રમિત મહિલાનું મૃત્યુ થયુ છે. કોરોનાની વાત કરીએ તો રાજ્યમાં અત્યારે કોરોનાના ૩૨૦ એક્ટિવ કેસો છે, કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયુ છે, આ લિસ્ટમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્લી બાદ ગુજરાતનો ચોથા ક્રમાંક છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં એક્ટિવ કેસમાં ૫૫નો વધારો નોંધાયો છે.
જો આ સ્થિતિ યથાવત રહી તો ગુજરાતમાં પરિસ્થિતિ વિકટ બની શકે છે. ભારતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ૧૦ દિવસ પહેલા ફક્ત ૨૫૭ હતા, જે હવે વધીને ૩૫૦૦ થી વધુ થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૩૬૦ નવા કેસ નોંધાયા છે, જયારે બે લોકોના મોત પણ નોંધાયા છે.
હાલમાં, સક્રિય દર્દીઓની સંખ્યા ૩૭૫૮ પર પહોંચી ગઈ છે અને પોઝિટિવિટી રેટમાં પણ થોડો વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩૬૩ નવા કેસ નોંધાયા છે, જે પછી દેશમાં સક્રિય કેસોની સંખ્યા ૩૭૫૮ થઈ ગઈ છે. રવિવારે મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ ના ૬૫ નવા કેસ નોંધાયા, જેનાથી આ વર્ષે ૧ જાન્યુઆરીથી રાજ્યમાં કુલ કેસની સંખ્યા ૮૧૪ થઈ ગઈ છે. એક આરોગ્ય અધિકારીએ આ માહિતી આપી.
આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે આ ૬૫ કેસમાંથી ૩૧ પુણેના, ૨૨ મુંબઈના, ૯ થાણેના, બે કોલ્હાપુરના અને એક નાગપુરનો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે બધા કેસ હળવા પ્રકૃતિના છે અને દર્દીઓને નિયમિત સારવાર આપવામાં આવી રહી છે. કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોવિડ-૧૯ના સૌથી વધુ કેસ નોંધાયા છે. કેરળમાં કોરોના વાયરસના સૌથી વધુ સક્રિય કેસ ૧૪૦૦ છે, જયારે દિલ્હીમાં ૪૩૬ કેસ થઈ ગયા છે.