Last Updated on by Sampurna Samachar
વધતા જતા કોરોનાની સંખ્યાએ લોકો અને તંત્રની ચિંતા વધારી
જાન્યુઆરી થી અત્યારસુધી કોરોનાથી ૬૫ ના મૃત્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સમગ્ર દેશભરમાં કોરોના વાયરસના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે અને સક્રિય કોવિડ કેસ ૬ હજારને વટાવી ગયા છે. ત્યારે કોરોના (CORONA) થી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં કેરળ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીનો સમાવેશ થાય છે. અમદાવાદમાં એક ૧૬ વર્ષની છોકરીનું મોત થઈ ગયું છે.
દેશમાં સક્રિય કોરોનાના કેસનો આંક આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર ૬,૪૯૧ પર પહોંચી ગયો છે. કોરોના કસની વાત કરીએ તો કેરળમાં કોરોનાનો આંકડો બે હજારે પહોંચ્યો છે. જ્યારે ગુજરાતમાં કેસ ૯૮૦ પર પહોંચી ગયા છે. દિલ્હીમાં પણ કોરોના કેસનો આંક ૭૨૮ એ પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં ૬૦૭ સક્રિય કોરોના દર્દીઓ છે અને કર્ણાટકમાં ૪૨૩ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૮ નવા કોવિડ કેસ નોંધાયા છે. જાન્યુઆરી થી અત્યાર સુધીમાં, કોરોનાને કારણે ૬૫ મૃત્યુ થયા છે.
હેપેટાઇટિસથી પીડિત છોકરીનુ મોત
ગુજરાતના અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત ૧૬ વર્ષની છોકરીનું મૃત્યુ થયું છે. આ છોકરીને ૪ જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને ખૂબ તાવ હતો. કોરોના ચેપની પુષ્ટિ થયા પછી, ડોક્ટરોએ તેનું લોહી પાતળું કરવા માટે કેટલાક ઇન્જેક્શન આપ્યા, પરંતુ તેને બચાવી શકાઈ નથી.
ડોક્ટરોએ કહ્યું કે તે હેપેટાઇટિસથી પણ પીડિત છે. બાળકીના મૃત્યુ અંગે, GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડૉ. કિરણ ગોસ્વામીએ જણાવે છે કે, “અમારી હોસ્પિટલમાં એક 16 વર્ષની છોકરી દાખલ થઈ હતી જેનું મોત થયું છે. દર્દીને ૪ જૂને અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, અને અમારા ડૉક્ટરે કહ્યું કે તેને COVID-19 ના લક્ષણો છે. તેને ખૂબ જ તાવ હતો અને અમે તેનું પરીક્ષણ કરાવ્યું, અને તેના બ્લડ સેમ્પલ પણ લેવાયા હતા. બધા પરીક્ષણો કર્યા પછી, તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. દર્દી વેન્ટિલેટર પર હતી અને તેનું ઓક્સિજનનું સ્તર ઓછું હતું. અમે તેને બચાવી શક્યા નથી. દર્દીને હેપેટાઇટિસ પણ થયો હતો.”
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો ચેપ વધી રહ્યો છે. બધા રાજ્યોમાં કોરોનાના કેસ નોંધાયા છે. જોકે, આ વખતે મૃત્યુઆંક અથવા ચેપનો દર એટલો ઊંચો નથી. આ કારણે, સરકાર દ્વારા કોઈ ખાસ માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી. જોકે, કેરળ, ગુજરાત અને દિલ્હી જેવા રાજ્યોમાં વધુ કેસ છે. આવી સ્થિતિમાં, સરકારે જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અને બીમાર હોય તો બાળકોને શાળાએ ન મોકલવાની સલાહ આપી છે. આ સાથે, સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી છે.