Last Updated on by Sampurna Samachar
મોટા પરિવારોને મોટા પ્રોત્સાહનો આપી શકાય
શ્રીમંત લોકો ગરીબ પરિવારોને દત્તક લેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશમાં પ્રજનન દર અંગે ચિંતાઓ વધવા લાગી છે. રાજ્યના મુખ્યમંત્રી હવે મોટા પરિવારોને નાણાકીય સહાય આપવાનું વિચારી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે એક ઇન્ટરવ્યુમાં આવા સંકેતો આપ્યા છે. જોકે, આ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ખાસ વાત એ છે કે આંધ્રપ્રદેશ (ANDRAPRADESH) માં ૨ થી વધુ બાળકો ધરાવતા લોકોને પંચાયત અને નાગરિક ચૂંટણી લડતા અટકાવવા માટેના કાયદામાં પણ સુધારા કરવામાં આવ્યો છે.
અહેવાલ છે કે રાજ્ય સરકાર ઘટતાં પ્રજનન દરને પહોંચી વળવા માટે આ પગલું ભરી શકે છે. મુખ્યમંત્રી નાયડુએ કહ્યું, હું પરિવારને એક એકમ ગણીને નાણાકીય પ્રોત્સાહન આપવાનું વિચારી રહ્યો છું. મોટા પરિવારોને મોટા પ્રોત્સાહનો આપી શકાય છે. તેમણે કહ્યું કે દક્ષિણના રાજ્યની સરકારોએ વર્તમાન વસ્તી વિષયક સ્થિતિ પર તેમની વ્યૂહરચના અંગે પુનર્વિચાર કરવાની જરૂર છે.
મુખ્યમંત્રી પ્રજનન દર અંગે ખૂબ ચિંતિત
નાયડુએ કહ્યું કે , શૂન્ય ગરીબી પહેલ હેઠળ, મેં પહેલેથી જ એક રસપ્રદ મોડેલ શરૂ કર્યું છે, જેમાં શ્રીમંત લોકો ગરીબ પરિવારોને દત્તક લેશે. તેનાથી માત્ર આવકનો તફાવત દૂર નહીં થાય. પરંતુ સમગ્ર પરિવારનું કલ્યાણ પણ સુનિશ્ચિત કરશે.
રાજ્યના મુખ્યમંત્રી પ્રજનન દર અંગે ખૂબ ચિંતિત છે. તેમણે જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશમાં પ્રજનન દર વધારવો પડશે. હાલના દરે, રાજ્યમાં ગંભીર સમસ્યાઓ ઊભી થશે… એટલા માટે હું મોટા પરિવારો પર વિચાર કરી રહ્યો છું. તેમણે તાજેતરમાં જ જાહેરાત કરી છે કે મહિલા કર્મચારીઓ ગમે તેટલી વખત પ્રસૂતિ રજા લઈ શકશે.
રાજ્ય સરકારે સંસ્થાઓ માટે પહેલેથી જ જાહેરાત કરી છે કે કાર્યસ્થળ પર બાળ સંભાળ કેન્દ્રો ફરજિયાત હોય અને CM નાયડુએ શાળાએ જતાં દરેક બાળકને ૧૫,૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય આપવાની વાત કરી છે. અમે આ રકમ સીધી વિદ્યાર્થીઓની માતાઓને આપીશું. આ ઉપરાંત, આંધ્રપ્રદેશની NDA સરકાર યુગલોને વધુ બાળકો પેદા કરવા માટે નાણાકીય સહાય આપવાનું વિચારી રહી છે.