Last Updated on by Sampurna Samachar
૩૦૦ કરોડ રૂપિયાની લાંચની ઓફર કરી હતી
ચાર્જશીટની માહિતી મળતાં જ મલિકની તબિયત લથડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય તપાસ એજન્સી CBI એ ભ્રષ્ટચાર મામલે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને છ અન્ય લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટની માહિતી મળતાં જ મલિકની તબિયત લથડી ગઈ છે અને તેઓ તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ થયા છે. CBI એ મલિક વિરુદ્ધ એક પ્રોજેક્ટ સંબંધિત કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાર મામલે કાર્યવાહી કરી છે.
વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડામાં કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે અને પ્રોજેક્ટની જવાબદારી ચેનાબ વૈલી પાવર પ્રોજેક્ટ્સ લિમિટેડના હાથમાં છે. આ પ્રોજેક્ટ કુલ ૨૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. CBI એ પ્રોજેક્ટના સિવિલ વર્ક્સ માટેની ટેન્ડર પ્રક્રિયાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેમાં અનેક ગડબડ ગોટાળા થયા હોવાનું સામે આવ્યું છે.
છ લોકો વિરુદ્ધ સત્તાવાર ચાર્જશીટ દાખલ
CVPPL દ્વારા ૪૭ મી બેઠક યોજી ઈ-ટેન્ડરિંગ અને રિવર્સ ઓક્શન દ્વારા ટેન્ડર પ્રક્રિયા ફરી યોજવાનો ર્નિણય લેવાયો હતો, જોકે ર્નિણય લેવાયો પણ લાગુ ન કરાયો અને સીધું જ પટેલ એન્જિનિયરિંગ લિમિટેડને ટેન્ડર આપી દેવાયું હતું.
૨૩ ઓગસ્ટ-૨૦૧૮થી ૩૦ ઓક્ટોબર-૨૦૧૯ સુધી જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ રહેલા સત્યપાલ મલિકે દાવો કર્યો છે કે, ‘જ્યારે હું રાજ્યપાલ હતો, ત્યારે પ્રોજેક્ટ સંબંધીત બે ફાઈલોને મંજૂરી આપવા માટે મને ૩૦૦ કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.’
CBI ની કાર્યવાહી વચ્ચે સત્યપાલ મલિકની તબિયત લથડી ગઈ છે. CBI એ મલિક સહિત છ લોકો વિરુદ્ધ સત્તાવાર ચાર્જશીટ દાખલ કરી છે, તો બીજી તરફ મલિકે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે કે, તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત ખૂબ ખરાબ છે.