Last Updated on by Sampurna Samachar
કેન્દ્ર સરકારે E-ZERO FIR સેવા શરૂ કરી
૧૦ લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ જાતે જશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ ઈ-ઝીરો FIR નામની એક નવી સેવા શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ સાયબર સુરક્ષાને મજબૂત કરવાનો અને મોટી સાયબર છેતરપિંડીની તપાસમાં ઝડપ લાવવાનો છે. આ સેવા હાલમાં દિલ્હીમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે અને જેમાં ૧૦ લાખ રૂપિયાથી વધુની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદો આપોઆપ FIR માં રૂપાંતરિત થઈ જશે. આ પહેલનો હેતુ સાયબર ગુનાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાનો અને તપાસમાં સમય બચાવવાનો છે.
૧૦ લાખ રૂપિયાથી વધુની સાયબર નાણાકીય છેતરપિંડીની ફરિયાદો હવે આપોઆપ FIR માં બદલાઈ જશે. આ સુવિધા ૧૯૩૦ હેલ્પલાઈન અથવા નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર કરાયેલી ફરિયાદો પર લાગુ થશે. આ નવી વ્યવસ્થા ઈ-ઝીરો FIR નામે શરૂ કરવામાં આવી છે, જે હાલ દિલ્હીમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આનાથી તપાસ અને કાર્યવાહીમાં ઝડપ આવશે અને ગુનેગારોને જલદી પકડી શકાશે. ભવિષ્યમાં આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.
સાયબર ગુનેગારો પર લગામ લગાવાશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમની એક્સ પોસ્ટમાં લખ્યું કે મોદી સરકાર સાયબર સુરક્ષિત ભારતની દિશામાં ઝડપથી કામ કરી રહી છે. આ નવી વ્યવસ્થા સાયબર ગુનેગારો પર લગામ લગાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
એક અધિકારીએ જણાવ્યું કે, NCRP અને ૧૯૩૦ પર નોંધાયેલી ૧૦ લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદો હવે આપોઆપ ઝીરો FIR માં રૂપાંતરિત થશે. આ FIR દિલ્હીના ઈ-ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાશે અને પછી સંબંધિત વિસ્તારના સાયબર પોલીસ સ્ટેશનને મોકલવામાં આવશે. ફરિયાદીએ ત્રણ દિવસની અંદર સંબંધિત સાયબર પોલીસ સ્ટેશનમાં જઈને ઝીરો FIR ને નિયમિત FIR માં બદલાવવાની રહેશે.
આ પ્રક્રિયામાં 14C ( INDIAN CYBER CRIME COORDINATION CENTRE ) , દિલ્હી પોલીસની E-FIR સિસ્ટમ, અને NCRB ના ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્કને એકબીજા સાથે જોડવામાં આવ્યા છે.
આ પહેલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૭૩(૧) અને ૧(II) હેઠળ શરૂ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ અને 14C એ સાથે મળીને આ નવી સિસ્ટમ બનાવી છે, જેથી પીડિતના પૈસા ઝડપથી પરત મળી શકે અને ગુનેગારોને કડક સજા થઈ શકે.
શું ફાયદો થશે ?
– ફરિયાદ નોંધાવવી સરળ બનશે
– FIR તાત્કાલિક નોંધાશે
– છેતરપિંડીના પૈસાની વસૂલાત સરળ બનશે
– ગુનેગારો પર ઝડપથી કાર્યવાહી થશે