Last Updated on by Sampurna Samachar
૨૦ લગાવેલી કસ્ટમ ડ્યૂટીને ઘટાડી ૧૦ ટકા કરવામાં આવી
સ્થાનિક ઉદ્યોગને રિફાઇનિંગ ક્ષમતાનો ઉપયોગ કરવામાં મદદ મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારે જૂન માસની શરૂઆતમાં મોંઘવારીમાં થોડી રાહત આપવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે ખાદ્ય તેલના ભાવ ઘટાડવા માટે કસ્ટમ ડ્યુટી (customs duty) ઘટાડી દીધી છે. કેન્દ્ર સરકારે ક્રૂડ પામ તેલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી અડધી કરી દીધી છે. અગાઉ, આ તેલ પર ૨૦ ટકા ડ્યુટી લાગતી હતી, જે હવે ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ભારત તેની સ્થાનિક ખાદ્ય તેલની જરૂરિયાતના ૫૦ ટકાથી વધુ આયાત કરે છે. આ સંદર્ભમાં એક સૂચના જાહેર કરવામાં આવી હતી અને તે તાત્કાલિક અસરથી અમલમાં આવી છે. ક્રૂડ પામ તેલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પર અસરકારક આયાત ડ્યુટી હવે ૧૬.૫ ટકા રહેશે. જ્યારે પહેલા તે ૨૭.૫ ટકા હતી. રિફાઇન્ડ તેલ પર અસરકારક ડ્યુટી ૩૫.૭૫ ટકા રાખવામાં આવી છે.
મલેશિયા અને ઇન્ડોનેશિયાથી પામ તેલની થાય છે આયાત
SEA અને ઇન્ડિયન વેજીટેબલ ઓઇલ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IVPA) બંનેએ આ ર્નિણયનું સ્વાગત કર્યું છે. તેઓ સ્થાનિક પ્રોસેસર્સને સુરક્ષિત રાખવા માટે ક્રૂડ અને રિફાઇન્ડ ખાદ્ય તેલ વચ્ચે ડ્યુટી તફાવત વધારવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના આ ર્નિણયની પ્રશંસા કરતા, સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SEA) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતાએ જણાવ્યું હતું કે આનાથી સ્થાનિક ઉદ્યોગને તેની રિફાઇનિંગ ક્ષમતાનો ઉપયોગ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે આ પગલાથી ખાદ્ય તેલના છૂટક ભાવ ઘટાડવામાં પણ મદદ મળશે.
બી.વી. મહેતાએ કહ્યું કે રિફાઇન્ડ પામ તેલની આયાત વધારે છે, કારણ કે તે ક્રૂડ પામ તેલ કરતાં સસ્તું છે. ભારત મલેશિયા અને ઇન્ડોનેશિયાથી પામ તેલની આયાત કરે છે. IVPA ના પ્રમુખ સુધાકર દેસાઈએ ક્રૂડ ખાદ્ય તેલ પરની મૂળભૂત આયાત ડ્યુટી ૨૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવાના સરકારના ર્નિણયનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે ક્રૂડ અને રિફાઇન્ડ ખાદ્ય તેલ વચ્ચે ડ્યુટી તફાવત ૧૯.૨૫ ટકા કરવા માટે IVPA ની ભલામણ સ્વીકારવા બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ૧૪ સપ્ટેમ્બરે સરકારે ક્રૂડ સોયાબીન તેલ, ક્રૂડ પામ તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરી હતી, જેના કારણે ક્રૂડ તેલ પરની અસરકારક ડ્યુટી ૨૭.૫ ટકા થઈ હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, રિફાઇન્ડ પામ તેલ, રિફાઇન્ડ સૂર્યમુખી તેલ અને રિફાઇન્ડ સોયાબીન તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ૧૨.૫ ટકાથી વધારીને ૩૨.૫ ટકા કરવામાં આવી હતી, જેના કારણે રિફાઇન્ડ તેલ પરની અસરકારક ડ્યુટી ૩૫.૭૫ ટકા થઈ હતી.