Last Updated on by Sampurna Samachar
ફેબ્રુઆરી માસથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ
ભાજપ નેતા અને ધારાસભ્યોએ રાજ્યપાલની મુલાકાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મણિપુર (MANIPUR) માં રાષ્ટ્રપતિ શાસન વચ્ચે સરકાર બનાવવાની ગતિવિધિ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટીના નેતા રાધેશ્યામ સિંહે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા બાદ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. ભાજપના નેતા નવ અન્ય ધારાસભ્યો સાથે રાજભવનમાં રાજ્યપાલને મળ્યા હતા.
ભાજપના નેતા રાધેશ્યામ સિંહે કહ્યું, “લોકોની ઇચ્છા મુજબ ૪૪ ધારાસભ્યો સરકાર બનાવવા માટે તૈયાર છે. અમે રાજ્યપાલને આ વાત જણાવી છે. અમે આ મુદ્દા માટે કયા ઉકેલો હોઈ શકે છે તેની પણ ચર્ચા કરી છે. ૪૪ ધારાસભ્યો લોકોની ઇચ્છા મુજબ સરકાર બનાવવા માટે તૈયાર છે.”
લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
તેમણે કહ્યું, “રાજ્યપાલે અમારી વાતની નોંધ લીધી છે અને લોકોના શ્રેષ્ઠ હિતમાં કાર્યવાહી શરૂ કરશે.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે, ત્યારે તેમણે કહ્યું કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ર્નિણય લેશે. ભાજપના નેતા રાધેશ્યામ સિંહે કહ્યું, “અમે તૈયાર છીએ એમ કહેવું એ સરકાર બનાવવાનો દાવો કરવા જેવું છે.
વિધાનસભા અધ્યક્ષ સત્યવ્રતે વ્યક્તિગત અને સંયુક્ત રીતે ૪૪ ધારાસભ્યોને મળ્યા છે. કોઈએ નવી સરકારની રચનાનો વિરોધ કર્યો નથી.” તેમણે કહ્યું, “લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કાર્યકાળમાં કોવિડને કારણે બે વર્ષ વેડફાયા હતા અને આ કાર્યકાળમાં સંઘર્ષને કારણે બે વર્ષ વેડફાયા છે.”
ભાજપ નેતા એન બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ ફેબ્રુઆરીથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. મે ૨૦૨૩માં શરૂ થયેલી મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસાને લઈને કોંગ્રેસે એન બિરેન સિંહ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. મણિપુરમાં હાલમાં ૬૦ સભ્યોની વિધાનસભામાં ૫૯ ધારાસભ્યો છે. એક ધારાસભ્યના મૃત્યુને કારણે એક બેઠક ખાલી છે.
ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં કુલ ૪૪ ધારાસભ્યો છે, જેમાં ૩૨ મેઇતેઈ, ત્રણ મણિપુરી મુસ્લિમ અને નવ નાગા ધારાસભ્યોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના પાંચેય ધારાસભ્યો મેઇતેઈ સમુદાયના છે. બાકીના ૧૦ ધારાસભ્યો કુકી છે – તેમાંથી સાત ભાજપની ટિકિટ પર છેલ્લી ચૂંટણી જીત્યા હતા, બે કુકી પીપલ્સ એલાયન્સના છે અને એક અપક્ષ ધારાસભ્ય છે.