Last Updated on by Sampurna Samachar
લોકોને જાગૃત કરવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આપી ચેતવણી
ઇનવેસ્ટમેન્ટ પ્લાનની ઓફર આપવામાં આવે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલના સમયમાં સાયબર ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે જ્યાં સ્કેમર્સ બેંકનો ઉપયોગ કરી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. દરમિયાન SBI દ્વારા લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. SBI ના નામથી અનેકવાર છેતરપિંડી થયેલી છે, તેથી સમય-સમયે બેન્ક દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે.
હાલમાં SBI દ્વારા ફરી લોકોને જાગૃત કરવામાં આવ્યું છે, કારણ કે તેમના નામનો ઉપયોગ કરીને માર્કેટમાં ઇનવેસ્ટમેન્ટ પ્લાન દ્વારા છેતરપિંડી થઈ રહી છે. છેતરપિંડી કરનારાઓ બેંકના નામ અને લોગોનો ઉપયોગ કરીને ખોટી પ્રોફાઇલ બનાવી રહ્યા છે. આ પ્રોફાઇલ દ્વારા લોકોને ઇનવેસ્ટમેન્ટ (Investment) ની ટિપ્સ આપવામાં આવી રહી છે, જેની મદદથી ચોક્કસ ફંડમાં રોકાણ કરવાથી મોટું રિટર્ન મેળવવાની વાત કરવામાં આવે છે.
સાત દિવસમાં પૈસા ડબલ કરોની જાહેરાત કરે છે
આ ખોટી પ્રોફાઇલ દ્વારા એડ્વરટાઇઝમેન્ટ કરવામાં આવે છે અને વોટ્સએપ ગ્રુપ માટે પણ ઇનવાઇટ મોકલાય છે. SBI એ ચેતવણી આપી છે કે છેતરપિંડી માટે કેટલીક ખોટી એડ્સ આપવામાં આવી રહી છે, જેમાં કહેવામાં આવે છે કે આ તક ચૂકી ન જાવ, વોટ્સએપ ગ્રુપને ફ્રીમાં જોઈન કરો અને સાત દિવસમાં પૈસા ડબલ કરો.’
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી છેતરપિંડી અંગે SBI એ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની સ્ટોક અથવા માર્કેટ ટિપ્સ આપતા નથી, જે ઓછા સમયમાં ઉંચું રિટર્ન આપી શકે. SBI દ્વારા વધુમાં જણાવાયું છે: ‘SBI પાસે આવા કોઈ પણ ટિપ્સ નથી, અને અમે કોઈપણ વ્યક્તિ કે કંપનીને આવી ટિપ્સ આપવા માટે નિમણૂક કરી નથી.’
છેતરપિંડીના વધતા કેસોને ધ્યાને રાખીને SBI દ્વારા લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. SBI એ સ્પષ્ટ કર્યો છે કે જો કોઈ વ્યક્તિને આવી છેતરપિંડી લાગતી હોય, તો નજીકની SBI બ્રાન્ચ અથવા SBI ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ખાતરી કરવી જોઈએ.’