Last Updated on by Sampurna Samachar
હજુ પણ તેઓ જેલમાં જ રહેશે તેવી સંભાવના
ચિન્મય કૃષ્ણ દાસ બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના પ્રમુખ નેતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય કૃષ્ણને લઇ નવા સમાચાર સામે આવ્યા છે. જેમા મળતી માહિતી મુજબ બાંગ્લાદેશ (BANGLADESH) હાઈકોર્ટે હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપ્યા છે, તેઓ દેશદ્રોહના કેસમાં છેલ્લા પાંચ મહિનાથી જેલમાં બંધ હતા. જોકે હજુ પણ તેઓ જેલમાં જ રહેશે, તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે સુપ્રીમ કોર્ટ જામીનના આદેશ પર રોક લગાવી શકે છે.
વાસ્તવમાં ચિન્મય કૃષ્ણ દાસ દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ ન્યાયાધીશ મોહમ્મદ ઉતાઉર રહમાન અને ન્યાયાધીશ મોહમ્મદ અલી રજાની બેંચે અરજી પર સુનાવણી હાથ ધરી આ આદેશ પસાર કર્યો છે.
બાંગ્લાદેશમાં ભગવો ધ્વજ લહેરાવતા થયો વિરોધ
બાંગ્લાદેશના ચટગાંવમાં ઓક્ટોબર-૨૦૨૪માં ‘સનામત જાગરણ મંચ’ નામથી રેલી યોજાઈ હતી, જેમાં ચિન્મય દાસે સંબોધન કર્યું હતું. તે જ દિવસે ન્યૂ માર્કેટ વિસ્તારમાં ભગવો ધ્વજ લહેરાયો અને તેમાં લખ્યું હતું કે, આમી સનાતની.
જેના થોડા દિવસો બાદ BNP નેતા ફિરોજ ખાને આક્ષેપ કર્યો હતો કે, આ ધ્વજની ઘટનાના કારણે દેશના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થયું છે. ત્યારબાદ ચિન્મય દાસ સહિત ૧૯ લોકો વિરુદ્ધ દેશદ્રોહને કેસ નોંધાયો હતો, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન માત્ર બાંગ્લાદેશ જ નહીં, ભારત સહિત અનેક દેશોમાં તેમની ધરપકડનો વિરોધ થયો હતો.
ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના પ્રમુખ નેતા અને ઈસ્કોન ચટગાંવના પુંડરીક ધામના અધ્યક્ષ છે. તેમનું અસલી નામ ચંદન કુમાર ધર છે, તેમને લોકો ચિન્મય પ્રભુ નામથી પણ ઓળખે છે. તે બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારો વિરુદ્ધ સશક્ત અવાજ ઉઠાવતાં રહ્યાં છે. બાંગ્લાદેશમાં ઈસ્કોન ના ૭૭થી વધુ મંદિર છે અને લગભગ ૫૦ હજારથી વધુ લોકો આ સંગઠનથી જેડાયેલા છે.
ધરપકડથી જામીન સુધીનો ઘટનાક્રમ
- ૨૫-૧૧-૨૦૨૪ : ઢાકા એરપોર્ટ પરથી ચિન્મય દાસની ધરપકડ કરવામાં આવી હતી.
- ૨૬-૧૧-૨૦૨૪ : તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા..
- ૦૨-૦૧-૨૦૨૫ : આ દિવસથી ૧૧ ડિસેમ્બર સુધી તેમની જામીન અરજી રદ કરવામાં આવી હતી.
- ૦૩-૦૪-૨૦૨૫ : વકીલોએ ફરી હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
- ૩૦-૦૪-૨૦૨૫ : હાઈકોર્ટે જામીન આપ્યા પણ મુક્તિનો ર્નિણય હજુ થયો નથી, કારણ કે સુપ્રીમ કોર્ટ જામીન પર રોક લગાવી શકે છે.