Last Updated on by Sampurna Samachar
બાળકીને લોહીથી લથબથ હાલતમાં સૂટકેસમાં પૂરી
પોલીસે નરાધમને પકડવા ટીમ તૈનાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના ર્નિભયા કાંડ વિશે લગભગ બધા જ જાણે છે ત્યારે દિલ્હીમાં ફરી એકવાર બાળકી પર દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઉત્તર પૂર્વ દિલ્હીમાં દયાલપુર વિસ્તારમાં ૯ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દેવામાં આવી હતી. આટલું જ નહીં નરાધમે આ હત્યા બાદ બાળકીને લોહીથી લથબથ હાલતમાં સૂટકેસમાં પૂરીને ફેંકી દીધી હતી.
લગભગ બે કલાક સુધી આ માસૂમ બાળકી સૂટકેસમાં પૂરાઈ રહી હોવાને કારણે મૃત્યુ પામી ગઇ હતી. તેના પરિજનોને ઘટના વિશે જાણ થતાં તેઓ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈને દોડ્યા હતા પણ ડૉક્ટરે તેના મૃત્યુની પુષ્ટી કરી દીધી હતી.
ફલેટમાં સૂટકેસમાંથી નિવસ્ત્ર મળી આવી
ઉલ્લેખનીય છે કે આ બાળકી તેની મોટી મમ્મીને ત્યાં બરફ પહોંચાડવા ગઇ હતી. લગભગ બે કલાકે પણ પાછી ન આવતા તેના માતા-પિતાએ તેને શોધવાનું શરૂ કર્યું તો કોઈએ કહ્યું કે આ બાળકી તેમના ઘરથી દૂર ૨૦૦ મીટરના અંતરે બનેલા ફ્લેટ તરફ જતી દેખાઈ હતી.
જોકે બાળકીના માતા-પિતા જ્યારે ફ્લેટમાં પહોંચ્યા તો બીજા માળે ફ્લેટના ગેટ પર તાળું હતું. બાળકીના પિતાએ આ તાળું તોડ્યું અને અંદર પ્રવેશતાં જ તે હચમચી ગયા. તેમની બાળકી એક સૂટકેસમાં બેભાન અવસ્થામાં પડી હતી. તેના શરીર પર વસ્ત્રો પણ નહોતાં. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને હેવાનને પકડી પાડવા માટે ૬ ટીમને તહેનાત કરાઈ હતી.