કેનેડા અને મેક્સિકોએ અમેરિકી માલ પર કર લાદવાની જાહેરાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા દ્વારા આયાત ડ્યુટીમાં વધારો કરવા પર ભારે વિરોધ થઈ રહ્યો છે. ચીન, કેનેડા અને મેક્સિકોએ અમેરિકાના આ પગલાનો સખત વિરોધ કર્યો છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે કહ્યું હતું કે, તેમણે આયાતી માલ પર વધારાના ૧૦ ટકા ટેરિફ લાદવાના ર્નિણય સામે અસંતોષ વ્યક્ત કર્યો છે.
ચીન દ્વારા કહેવામાં આવ્યુ કે તે અમેરિકાના આ ખોટા કાર્યવાહીના જવાબમાં વિશ્વ વેપાર સંગઠનમાં ફરિયાદ નોંધાવશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા વધારાની ડ્યુટી એકપક્ષીય રીતે લાદવી એ WTO નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે.
તેમણે કહ્યું કે, આ પગલું માત્ર તેમની સમસ્યાઓ હલ કરવામાં નિષ્ફળ જશે એટલું જ નહીં પરંતુ બંને દેશો વચ્ચેના સામાન્ય આર્થિક અને વ્યાપાર સહયોગને પણ અવરોધ કરશે. ચીને અમેરિકાને વિનંતી કરી છે કે, તે તેના ફેન્ટાનાઇલ અને સંબંધિત મુદ્દાઓને ઉદ્દેશ્ય અને તર્કસંગત રીતે જુએ અને સમાધાન કરે, ન કે અન્ય દેશોને ધમકાવવા માટે વારંવાર આયાત શુલ્કનો ઉપયોગ કરે.
પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકાએ પોતાની ભૂલો સુધારવી જોઈએ અને ચીન સાથે મળીને કામ કરવું જોઈએ, જેથી બંને પક્ષો એકબીજા સાથે રહી શકે. તેમણે અમેરિકાને સમાનતા, પરસ્પર લાભ અને પરસ્પર આદરના આધારે સમસ્યાઓનો સામનો કરવા, સ્પષ્ટ સંવાદમાં જોડાવા, સહયોગને મજબૂત કરવા અને મતભેદોનું સંચાલન કરવા માટે આહ્વાન કર્યું હતું.
કેનેડા અને મેક્સિકોએ ટ્રમ્પ દ્વારા બંને દેશો પર ભારે આયાત જકાત લગાવવાની જાહેરાત કર્યા બાદ અમેરિકી માલ પર કર લાદવાની જાહેરાત કરી છે. મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે જણાવ્યું હતું કે, તેમણે અર્થતંત્ર મંત્રી માર્સેલો એબ્રાર્ડને દેશના હિતોનું રક્ષણ કરવા માટે ટેરિફ અને નોન ટેરિફ પગલાંનો ઉપયોગ કરવા સૂચના આપી છે. શેનબૌમે X હેન્ડલ પર કહ્યું કે, ‘હું અર્થતંત્ર મંત્રીને પ્લાન લાગુ કરવા સૂચના આપી રહી છું. અમે તેના પર કામ કરી રહ્યા છીએ.’ આમાં મેક્સિકોના હિતોનું રક્ષણ કરવા માટે આયાત શુલ્ક અને બિન આયાત શુલ્ક પગલાંનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીનના માલ પર આયાત ડ્યુટી લાદવાના એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. જે અમેરિકાના સૌથી મોટા વેપારી ભાગીદાર છે. આ પગલાને અમેરિકા અને તેના ઉત્તર અમેરિકન પડોશીઓ વચ્ચે વેપાર તણાવમાં વધારો તરીકે જોવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ યુએસ-મેક્સિકો કેનેડા કરાર ને નબળી પાડે છે, જેનો ઉદ્દેશ્ય ઉત્તર અમેરિકામાં વેપાર અને રોકાણને વેગ આપવાનો છે.