Last Updated on by Sampurna Samachar
નીચલા અને મધ્યમ વર્ગના લોકો સૌથી વધુ બની રહ્યા છે ભોગ
ઓનલાઈન જુગારને કાયદા હેઠળ લાવીને નિયંત્રિત કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અલ્હાબાદ હાઈકોર્ટે ઓનલાઈન ગેમિંગ (ONLINE GAMING) અને સટ્ટાબાજી જેવા વર્ચ્યુઅલ ગુનાઓને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારને તાત્કાલિક કાયદો બનાવવાની ભલામણ કરી છે. કોર્ટે કહ્યું કે, જાહેર જુગાર અધિનિયમ, ૧૮૬૭ હવે અપ્રાસંગિક બની ગયો છે અને વર્તમાન ડિજિટલ યુગના પડકારોનો સામનો કરવામાં અસમર્થ છે.
જસ્ટિસ વિનોદ દિવાકરની સિંગલ બેન્ચે આગ્રાના રહેવાસી ઇમરાન ખાન અને અન્ય લોકોની અરજી પર સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. અરજદારો સામે ત્રણ વર્ષ પહેલાં જાહેર જુગાર અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેને રદ કરવાની માંગ કરવામાં આવી હતી.
યુવાનોને જાળમાં ફસાવી રહ્યા છે
કોર્ટે સરકારને આર્થિક સલાહકાર પ્રો. કે. વી રાજૂની અધ્યક્ષતામાં એક સ્તરીય સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સમિતિમાં મુખ્ય સચિવ (રાજ્ય કર) અને ટેકનિકલ નિષ્ણાતોનો પણ સમાવેશ કરવામાં આવશે, જે વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને એક નવું કાયદાકીય માળખું તૈયાર કરશે.
કોર્ટે કહ્યું કે, વર્તમાન સમયમાં ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગ પ્લેટફોર્મ યુવાનો અને કિશોરોને ઝડપથી તેમની જાળમાં ફસાવી રહ્યું છે. સરળતાથી પૈસા કમાવવાની લાલચમાં યુવાનો હતાશા, અનિદ્રા, ચિંતા અને સામાજિક વિઘટન જેવી માનસિક સમસ્યાઓમાં ફસાઈ રહ્યા છે. અને તેમાં પણ ખાસ કરીને નીચલા અને મધ્યમ વર્ગના લોકો સૌથી વધુ આર્થિક નુકસાનનો ભોગ બની રહ્યા છે.
જાહેર જુગાર અધિનિયમ ૧૮૬૭ માં વધુમાં વધુ રુ. ૨૦૦૦ દંડ અને ૧૨ મહિનાની જેલની જોગવાઈ છે, જે ઓનલાઈન જુગારના વ્યાપને ધ્યાનમાં રાખીને બિનઅસરકારક સાબિત થઈ રહી છે. આ ઉપરાંત ફેન્ટસી સ્પોર્ટ્સ, પોકર અને ઈ-સ્પોર્ટ્સ જેવી ઓનલાઈન ગેમ્સ અંગે કોઈ કાનૂની સ્પષ્ટતા નથી કારણ કે, તેમના સર્વર મોટાભાગે ભારતની બહાર હોય છે. કોર્ટે રજિસ્ટ્રારને આદેશની નકલ ઉત્તર પ્રદેશ સરકારના મુખ્ય સચિવને સોંપવાનો નિર્દેશ આપ્યો છે, જેથી યોગ્ય કાર્યવાહી અને પાલન સુનિશ્ચિત કરી શકાય.
કોર્ટે કહ્યું કે,‘ યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ ઓનલાઈન જુગારને કાયદા હેઠળ લાવીને નિયંત્રિત કર્યો છે. યુકેનો ૨૦૦૫નો જુગાર કાયદો એક ઉદાહરણ છે, જેમાં લાઇસન્સિંગ, ઉંમર ચકાસણી, જાહેરાત ધોરણો અને મની લોન્ડરિંગ વિરોધી પગલાંનો સમાવેશ થાય છે. ભારતમાં નીતિ આયોગે ડિસેમ્બર ૨૦૨૦ માં એક નીતિ પત્ર બહાર પાડ્યો હતો, પરંતુ અત્યાર સુધી તે એક ‘ગ્રે ઝોન‘ માં છે.