Last Updated on by Sampurna Samachar
એકપણ પ્રોજેક્ટ સમયસર પૂરો નથી થતો
વાયુસેના પ્રમુખે રાજનાથ સિંહની હાજરીમાં નારાજગી વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે દિલ્હીમાં આયોજિત CII વાર્ષિક વ્યાપાર સમિટને સંબોધતા ભારતની સંરક્ષણ ખરીદીમાં જવાબદારી અને તત્પરતાની માંગ કરી છે. મુખ્ય સંરક્ષણ ખરીદી પ્રોજેક્ટ્સમાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ઘણી વખત એવું બન્યું છે કે કરાર પર હસ્તાક્ષર કરતી વખતે આપણે જાણીએ છીએ કે આ સિસ્ટમો ક્યારેય આવશે નહીં.
એર ચીફ માર્શલે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે સમયરેખા એક મોટો મુદ્દો છે. એક પણ પ્રોજેક્ટ ક્યારેય સમયસર પૂર્ણ થયો નથી. તેમણે કહ્યું કે જ્યારે કોઈ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થતો નથી, તો પછી દર વખતે વચનો શા માટે આપવામાં આવે છે ? તેમણે સંરક્ષણ પ્રણાલીઓમાં વિલંબના ઘણા કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો, ખાસ કરીને સ્વદેશી પ્રોજેક્ટ્સમાં વિલંબના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો.
અનેક મુખ્ય પ્રોજેક્ટ્સ પર અસર પડી
હવાઈ દળના વડાએ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેજસ MK-1A ફાઇટર જેટની ડિલિવરી અટકી ગઈ છે, જે ફેબ્રુઆરી ૨૦૨૧માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે થયેલા ૪૮,૦૦૦ કરોડ રૂપિયાના કરાર હેઠળ છે. તેમણે માહિતી આપી કે ઓર્ડર કરાયેલા ૮૩ વિમાનોમાંથી, અત્યાર સુધી એક પણ વિમાન ડિલિવર થયું નથી, જ્યારે ડિલિવરી માર્ચ ૨૦૨૪માં શરૂ થવાની હતી.
હવાઈ દળના વડાના જણાવ્યા મુજબ, વિલંબથી તેજસ MK1A ફાઇટર એરક્રાફ્ટ સહિત અનેક મુખ્ય પ્રોજેક્ટ્સ પર અસર પડી છે. એર ચીફ માર્શલ સિંહે કહ્યું કે તેજસ સ૨ નો પ્રોટોટાઇપ હજુ સુધી રોલઆઉટ થયો નથી. સ્ટીલ્થ AMCA ફાઇટરનો કોઈ પ્રોટોટાઇપ હજુ સુધી નથી.
હવાઈ દળના વડા માર્શલની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે વાયુસેના સરકારની આર્ત્મનિભર ભારત પહેલ હેઠળ ઝડપી સ્વદેશીકરણ અને સ્થાનિક ક્ષમતા માટે દબાણ કરી રહી છે. તેમણે કહ્યું કે આપણે ભારતમાં ફક્ત ઉત્પાદન વિશે વાત કરી શકતા નથી, આપણે ડિઝાઇનિંગ વિશે પણ વાત કરવી જોઈએ.
આપણને સેના અને ઉદ્યોગ વચ્ચે વિશ્વાસની જરૂર છે. તેમણે કહ્યું કે આપણે અત્યારથી જ ભવિષ્ય માટે તૈયારી કરવી પડશે. ૧૦ વર્ષમાં આપણે ઉદ્યોગમાંથી વધુ ઉત્પાદન મેળવીશું, પરંતુ આજે આપણને જેની જરૂર છે, તે આજે જ જોઈએ છે. આપણે શક્ય તેટલી ઝડપથી આપણું કાર્ય પૂર્ણ કરવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે સેનાઓને સશક્ત બનાવીને યુદ્ધો જીતી શકાય છે. આ સમિટમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર હતા.