Last Updated on by Sampurna Samachar
એર ઈન્ડિયાએ મુસાફરો માટે જારી કરી એડવાઈઝરી
વરસાદની અસર ટ્રાફિક પર પણ પડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈમાં ભારે વરસાદ અને તીવ્ર પવનને પગલે સામાન્ય જનજીવન ખોરવાયું છે, એવા સમયે રેલવે, માર્ગની સાથે હવાઈ મુસાફરી AIR INDIA ISSUES ADVISORY ઉપર પણ અસર પડી છે. મુંબઈના ઉપનગરીય વિસ્તારોમાં અવરનવર સતત વરસાદ થઈ રહ્યો છે.
હવામાન વિભાગે પણ મુંબઈમાં મૂશળધાર વરસાદની ચેતવણી જાહેર કરી છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે દૃશ્યતા ઘણી ઓછી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ વરસાદની અસર ટ્રાફિક પર પણ પડી છે. વિમાન સંચાલન પ્રભાવિત થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં વિમાન કંપની એયર ઈન્ડિયાએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે.
પ્રશાસને નાગરિકોને સતર્ક રહેવાની કરી અપીલ
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલા ભારે વરસાદને લઈને જાહેર કરાયેલી એડવાઈઝરીમાં એયર ઈન્ડિયાએ જણાવ્યું કે “મુંબઈમાં વરસાદ અને વાવાઝોડાને કારણે વિમાન સંચાલન પ્રભાવિત થઈ રહ્યું છે. મુસાફરીને સરળ બનાવવા માટે, અમે અમારા મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઈટની સ્થિતિ તપાસવાની સલાહ આપીએ છીએ.”
મુંબઈમાં ભારે વરસાદનો કહેર ચાલુ છે. સવારે ૯ થી ૧૦ વાગ્યાની વચ્ચે ફક્ત એક કલાકમાં સૌથી વધુ વરસાદ નરીમન પોઈન્ટ ફાયર સ્ટેશનમાં નોંધાયો, જ્યાં ૧૦૪ મિમી વરસાદ રેકોર્ડ થયો. આ ઉપરાંત, એ વોર્ડ ઓફિસમાં ૮૬ મિમી, કોલાબા પંપિંગ સ્ટેશનમાં ૮૩ મિમી અને મ્યુનિસિપલ હેડ ઓફિસમાં ૮૦ મિમી વરસાદ નોંધાયો. કોલાબા ફાયર સ્ટેશનમાં ૭૭ મિમી, ગ્રાન્ટ રોડ આઈ હોસ્પિટલમાં ૬૭ મિમી, મેમનવાડા ફાયર સ્ટેશનમાં ૬૫ મિમી, માલાબાર હિલમાં ૬૩ મિમી અને ડી વોર્ડમાં ૬૧ મિમી વરસાદ માપવામાં આવ્યો.
પૂર્વીય ઉપનગરોની વાત કરીએ તો, ત્યાં તુલનાત્મક રીતે ઓછો વરસાદ થયો છે. માનખુર્દ ફાયર સ્ટેશન અને એમપીએસ સ્કૂલ માનખુર્દમાં માત્ર ૧૬ મિમી, નૂતન વિદ્યાલય મંડળમાં ૧૪ મિમી અને કલેક્ટર કોલોનીમાં ૧૩ મિમી વરસાદ નોંધાયો.
પશ્ચિમી ઉપનગરોમાં બાંદ્રા સુપારી ટેન્ક, ગજદરબંધ પંપિંગ સ્ટેશન અને ખાર દાંડામાં ૨૯ મિમી, જ્યારે સ્વચ્છતા વિભાગ વર્કશોપ, એચઈ વોર્ડ ઓફિસ અને વિલે પાર્લે ફાયર સ્ટેશનમાં ૨૨ મિમી વરસાદ થયો. પાણી ભરાવાના મુખ્ય સ્થળોમાં શક્કર પંચાયત, સાયન સર્કલ, દાદર ટીટી, હિંદમાતા, જેજે મડાવી પોસ્ટ ઓફિસ, કુર્ણે ચોક, બિંદુમાધવ જંક્શન (વર્લી) અને માચરજી જોશી માર્ગ (ફાઈવ ગાર્ડન) નો સમાવેશ થાય છે.
તેજ પવનો અને વરસાદને કારણે ઝાડ અને ડાળીઓ ખરી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. શહેરમાં ૪ સ્થળોએ અને પશ્ચિમી ઉપનગરોમાં ૫ સ્થળોએ ઝાડ ખરી પડવાની માહિતી બીએમસીને મળી છે. હવામાન વિભાગે રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ, ઠાણે, પાલઘર અને મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ૩-૪ કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો સાથે ગાજવીજ અને ભારે વરસાદની સંભાવના છે. પ્રશાસને નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.