Last Updated on by Sampurna Samachar
પ્લેન ક્રેશમાં આબાદ બચેલા વિશ્વાસ માટે અભિનેત્રીએ કરી હતી ટિપ્પણી
વિમાન દુર્ઘટના પર ઘણી જાણીતી હસ્તીઓએ કર્યુ દુ:ખ વ્યક્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાન ગુરુવારે (૧૨મી જૂન) ક્રેશ થયું હતું. જેના કારણે મોટી જાનહાનિ થઇ હતી. અત્યાર સુધી આ દુર્ઘટનામાં ૨૭૦થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા છે. ત્યારે આ વિમાન દુર્ઘટના પર દેશ વિદેશની ઘણી જાણીતી હસ્તીઓએ દુખ વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ અકસ્માતમાં જેમનું જીવિત રહેવું એ એક ઈશ્વરનો ચમત્કાર માનવામાં આવી રહ્યો છે અને તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ વિશ્વાસને મળ્યા હતા. જોકે, વિશ્વાસ કુમાર રમેશ બચી જવા પર જાણીતી અભિનેત્રી અને ગાયિકા સુચિત્રા કૃષ્ણમૂર્તિને હજુ પણ વિશ્વાસ નથી આવતો.
પોસ્ટ ડિલીટ કરી માફી માંગી
સોશિયલ મીડિયા પર સુચિત્રાએ પોસ્ટ ટ્વિટ કરીને કહ્યું કે, ‘વિશ્વાસ ખોટું બોલી રહ્યો છે, તે ખરેખર અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં હતો.‘ તેનું આ ટ્વિટ વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો હતો. કેટલાક લોકોએ તેની ખૂબ ટીકા કરી હતી, ત્યારબાદ હવે અભિનેત્રીએ માફી માંગી છે અને તેની પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે.
હકીકતમાં, સુચિત્રા કૃષ્ણમૂર્તિએ તેના X હેન્ડલ પર એક ટ્વીટ પોસ્ટ કરી છે, જેમાં તેણે લખ્યું કે, ‘તો આ વિશ્વાસ કુમાર રમેશે વિમાનમાં મુસાફર અને એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ હોવા વિશે ખોટું બોલ્યા ? આ ખરેખર અજીબ છે. શું યુકેમાં તેના પરિવારે તેની સ્ટોરી પર પુષ્ટિ કરી ન હતી? તેના ભાઈના અંતિમ સંસ્કારનું શું, જેમાં તે નનામીને ખભા પર ઉઠાવતો જોવા મળ્યો હતો? જો ખરેખર આ સાચું હોય તો વિશ્વાસ ગંભીર સજાનો હકદાર છે અથવા તેને પાગલખાનામાં મોકલી દેવો જોઈએ.‘
સુચિત્રાનું ટ્વીટ વાયરલ થતાં જ યુઝર્સે તેના પર ટીકા કરવાનું શરૂ કરી દીધું. એક વ્યક્તિએ લખ્યું, ‘અમદાવાદની હોસ્પિટલે પુષ્ટિ આપી છે, કે વિશ્વાસ એર ઈન્ડિયાની ફ્લાઇટમાં હતા.‘ તો અન્ય કેટલાક લોકોએ લખ્યું કે, જો તેમને આ વિશે માહિતી ન હોય તો, પહેલા આ અંગે તમામ માહિતી ચેક કરી લેવી જોઈએ. સોશિયલ મીડિયા પર વિરોધ થતા સુચિત્રાએ હવે તે ટ્વીટ ડિલીટ કરી દીધી છે અને માફી પણ માંગી છે.