Last Updated on by Sampurna Samachar
સાયબર ઠગે ટેલિગ્રામ ગ્રુપમાં જોડી પૈસા પડાવ્યા
સાયબર ક્રાઇમ પોલીસે ઠગ વિરૂદ્ધ તપાસ શરૂ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં સાયબર છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સાયબર ફ્રોડ (CYBER FRUAD) નો વધુ એક મામલો બેંગ્લોરથી સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિત મહિલાએ ૨૫૦ રૂપિયાના ચક્કરમાં ૫ લાખ રૂપિયા ગુમાવ્યા છે. હાલ મહિલાએ આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી અનુસાર બેંગ્લોરની એક ૩૫ વર્ષીય મહિલા, જે એક ખાનગી કંપનીમાં કામ કરે છે, તેના ઈન્સ્ટાગ્રામ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં તેને જણાવવામાં આવ્યું હતું કે જો તે એક ટાસ્ક પૂર્ણ કરશે તો તેને ૨૫૦ રૂપિયા મળશે. જે બાદ મહિલાએ ટાસ્ક કમ્પ્લેટ કર્યો અને ૨૫૦ રૂપિયા તેને મળ્યા. જે બાદ ફરી તેને મેસેજ આવ્યો, જેમાં તેને એક ઈનવેસ્ટમેન્ટનો પ્લાન જણાવવામાં આવ્યો હતો.
“સફળ રોકાણકારો” દ્વારા નફાના દાવા કરાયા
સાયબર ઠગે મહિલાને મોટા રૂપિયા કમાઈ આપવાની લાલચ આપી હતી. જેથી મહિલાએ તેની વાતમાં આવીને ૨૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું હતું. થોડા દિવસોમાં તેને એક ઓનલાઈન ડેશબોર્ડ દ્વારા બતાવવામાં આવ્યું કે તેનું રોકાણ ૪૦,૦૦૦ રૂપિયા થઈ ગયું છે. જે બાદ સ્કેમર્સે તેને ટેલિગ્રામ ગ્રુપમાં જોડી દીધી, જ્યાં અન્ય “સફળ રોકાણકારો” દ્વારા મોટા નફાના દાવા કરવામાં આવતા હતા.
આ ગ્રુપમાં સ્કેમર્સે મહિલાને મોટા રૂપિયા કમાવાની લાલચ આપીને વધુ પૈસા રોકવા જણાવ્યું. જેથી તેણે પોતાની બચતમાંથી ૪.૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા, અને પછી સ્કેમર્સે તેને ૫૦,૦૦૦ રૂપિયાની “પ્રોસેસિંગ ફી” ભરવા માટે કહ્યું હતું. જ્યારે તેણે પોતાનો નફો ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે સ્કેમર્સે વધુ ફીની માંગણી કરી અને અંતે સંપર્ક તોડી નાખ્યો. આ રીતે મહિલા સાથે ૫ લાખ રૂપિયાનો ફ્રોડ થયો.
જ્યારે મહિલાને અહેસાસ થયો કે તેની સાથે ફ્રોડ થયો છે, જે બાદ તેણે બેંગ્લોરની સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે માહિતી ટેકનોલોજી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૩૧૮(૪) (ચીટિંગ) હેઠળ કેસ નોંધ્યો. પોલીસે સ્કેમર્સના બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવાના પ્રયાસો શરૂ કર્યા.