Last Updated on by Sampurna Samachar
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો કોણ દુશ્મન? હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
પરંતુ સવાલ એ ઉઠે છે કે આટલા ચુસ્ત સુરક્ષા બંદોબસ્તમાં હુમલાખોર હથિયારો સાથે પહોંચ્યો કેવી રીતે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા અને ઈરાન વચ્ચે હજુ કોઈ સમાધાન થાય તેવા એંધાણ દેખાતા નથી અને આ બધા વચ્ચે અમેરિકાના વોશિંગ્ટનથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. વોશિંગ્ટન હિલ્ટન હોટલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં ફાયરિંગની ઘટના ઘટી.

આટલી ટાઈટ સિક્યુરિટી છતાં આ ફાયરિંગ કોણે કર્યું તે મોટો સવાલ ઊભો થયો. જો કે આ હુમલાખોરની તસવીર પણ હાલ સામે આવી છે. પરંતુ સવાલ એ પણ થાય કે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ વ્યક્તિ હથિયાર લઈને પહોંચ્યો કેવી રીતે?
સુરક્ષાકર્મીઓએ તેને જમીન પર ઊંધો સૂવાડેલો
અમેરિકી મીડિયાના રિપોર્ટ્સ મુજબ આરોપીનું નામ કોલ ટોમસ એલન છે. જેની ઉંમર ૩૧ વર્ષ હોવાનું કહેવાય છે. તે કેલિફોર્નિયાના ટોરેન્સનો રહીશ હોવાનું પણ કહેવાય છે. હિલ્ટન હોટલમાં ફાયરિંગ કરનારા આ શૂટરની કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે સુરક્ષાકર્મીઓએ તેને જમીન પર ઊંધો સૂવાડેલો છે.
FBIના જણાવ્યાં મુજબ શૂટરે સીક્રેટ સર્વિસ એજન્ટ પર ફાયરિંગ કર્યું હતું. રાહતની વાત એ છે કે એજન્ટે બુલેટ પ્રુફ જેકેટ પહેર્યું હતું અને તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે હુમલાખોર પાસે શોટગન હતી અને તેણે ડિનરના સુરક્ષા ઘેરાને તોડવાની કોશિશ કરી હતી. આ દરમિયાન તેણે સુરક્ષાકર્મી પર ફાયરિંગ કર્યું.
સીક્રેટ સર્વિસના જવાન હજુ પણ હથિયારો સાથે સમગ્ર ડિનર હોલ અને હોટલના ખુણે ખુણાની તપાસ કરી રહ્યા છે જેથી કરીને સંપૂર્ણ સુરક્ષાની પુષ્ટિ કરી શકાય. સીક્રેટ સર્વિસે એ પુષ્ટિ કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ સંપૂર્ણ સુરક્ષિત છે. જાે કે આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ સવાલો ઊભા થયા છે.
જો કે આ ઘટના ઘટ્યા બાદ હવે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભા થયા છે. શું આ ફક્ત સુરક્ષામાં બેદરકારી હતી કે પછી કોઈ મોટું ષડયંત્ર છૂપાયેલુ છે? જાણીતા પત્રકાર નેહા પંતે આ ઘટના પર ઝી મીડિયા સાથે વિસ્તારપૂર્વક વાત પણ કરી. તેમનું કહેવું છે કે જે પ્રકારે હુમલાખોર સુરક્ષા ઘેરાને ભેદીને આટલો નજીક પહોંચ્યો તે સામાન્ય નથી લાગતું.
નેહા પંતે આ ઘટનાને શરમજનક ગણાવતા કહ્યું કે આટલી મોટી હસ્તીની સુરક્ષામાં આ પ્રકારની ચૂક સ્વીકાર્ય નથી. તેમના જણાવ્યાં મુજબ આ ઘટના ફક્ત બેદરકારી નહીં પરંતુ કોઈ ષડયંત્ર તરફ પણ ઈશારો કરે છે. જેની નિષ્પક્ષ તપાસ ખુબ જરૂરી છે.
હુમલા સમયે અમેરિકી સુરક્ષા એજન્સી યુનાઈટેડ સ્ટેટ્સ સીક્રેટ સર્વિસના અધિકારી ઘટનાસ્થળે હાજર હતા. આમ છતાં હુમલો થયો તે સુરક્ષા પ્રોટોકોલ પર ગંભીર સવાલ પણ ઊભા કરે છે. પંતનું માનવું છે કે આ પ્રકારના હાઈ પ્રોફાઈલ કાર્યક્રમોમાં મલ્ટીલેયર સુરક્ષા હોય છે. જેમાં સ્થાનિક પોલીસ, ગુપ્તચર એજન્સીઓ, અને ફેડરલ સુરક્ષા દળો સામેલ હોય છે. આવામાં સુરક્ષા ઘેરાનું તૂટવું એ માત્ર ચૂક નહીં પરંતુ સિસ્ટમની નબળાઈ પણ ઉજાગર કરે છે.