Last Updated on by Sampurna Samachar
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ૧ કિલોમીટર સુધી અવાજ સંભળાયો
અમરોહાના પોલીસ અધિક્ષકે ઘટના અંગે આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરપ્રદેશમાં અમરોહા-અતરાસી રોડ પર ખેતરોની વચ્ચે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. આ આગમાં ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક પુરુષ સહિત નવ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ જોરદાર વિસ્ફોટ સાથે થયેલા આ અકસ્માતથી આસપાસનો વિસ્તાર પણ હચમચી ગયો હતો.
ઘટનાની જાણકારી મળતા જ DM નિધિ ગુપ્તા વત્સ અને પોલીસ અધિક્ષક અમિત કુમાર આનંદ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થળનું નિરીક્ષણ કર્યા પછી સૂચનાઓ આપી હતી. સમગ્ર મામલાની માહિતી આપતાં અમરોહાના પોલીસ અધિક્ષક અમિત કુમાર આનંદે જણાવ્યું હતું કે, આ ફેક્ટરી સૈફૂર અહેમની છે જે જિલ્લા હાપુરના રહેવાસી છે.
આ વિસ્ફોટ પાછળના કારણની તપાસ ચાલુ
આ વિસ્ફોટમાં ચાર મહિલાઓના મોત થયા છે. જ્યારે ૯ ઘાયલ થયા છે. મૃતક મહિલાઓના મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. અન્ય ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટ પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે.