Last Updated on by Sampurna Samachar
પરિવાર સાથે જતી કાર પર પહાડ તૂટી પડ્યો
કડૂ નાળા પાસે આ અકસ્માત થયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતી જિલ્લાના પાંગી-ઉદયપુર માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે મોટો અકસ્માત સર્જાયાના સમાચાર છે. અહીં એક ટાટા સુમો ગાડી પર પહાડ તૂટી પડતાં ૧૩ લોકોના મોત થયા છે. લાહૌલ-સ્પીતી પોલીસે અકસ્માતની પુષ્ટિ કરી છે. હાલ લાહૌલ-સ્પીતી પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી.

ભરમૌર-પાંગીના ધારાસભ્ય જનક રાજે જણાવ્યું કે, ઉદયપુર માર્ગ પર થયેલા અકસ્માતમાં ગાડીમાં મુસાફરી કરી રહેલા ૧૫ લોકોમાંથી ૧૩ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. મૃતકોમાં ૬ મહિનાનું બાળક પણ સામેલ છે. જ્યારે બે લોકો સંપૂર્ણપણે સુરક્ષિત બચી ગયા છે.
તમામ મૃતકો પાંગી ઘાટીના રહેવાસી
માહિતી અનુસાર, લાહૌલ ઘાટીથી આશરે ૬૦-૭૦ કિમી દૂર કુડૂનાળા પાસે આ ઘટના બની હતી. અહીં ચાલતી ટાટા સુમો પર પહાડ પરથી મોટા પથ્થરો તૂટી પડ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ટાટા સુમો ટેક્સીમાં કુલ ૧૫ લોકો સવાર હતા. કાટમાળમાંથી એક વ્યક્તિને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો છે. અકસ્માત બાદ ગાડીના પાછળના ભાગમાં આગ પણ લાગી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
મૃતકોની ઓળખ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જોકે, જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મૃતકો પાંગી ઘાટીના રહેવાસી હતા. ભરમૌરના ધારાસભ્ય જનક રાજે જણાવ્યું કે, અમે ચંબા અને લાહૌલ-સ્પીતીના જિલ્લા કલેક્ટરને રાહત કામગીરી ઝડપી બનાવવા વિનંતી કરી છે અને પોલીસ તેમજ બચાવ દળ ઘટનાસ્થળે રવાના થઈ ચૂક્યું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, ઉદયપુર-કિલાડ માર્ગ અગાઉના દિવસે બંધ હોવાથી વાહનમાં સવાર તમામ મુસાફરો તિંડીમાં રોકાયા હતા. માર્ગ ખુલ્યા બાદ તેઓ પાંગી તરફ રવાના થયા હતા, ત્યારે કડૂ નાળા પાસે આ અકસ્માત થયો હતો. નોંધનીય છે કે, મંડી જિલ્લાના જોગિન્દ્રનગરના ગુમ્મા વિસ્તારમાં પણ ભૂસ્ખલન થયું હતું. કુલ્લૂના બે પરિવારો સિમસા માતા મંદિર જઈ રહ્યા હતા અને રસ્તામાં અકસ્માત થતાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે સાત લોકો ઘાયલ થયા હતા.