Last Updated on by Sampurna Samachar
દાનિશ પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારી
દાનિશ ઇસ્લામાબાદમાં ISI માં પોસ્ટેડ હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાનો પાકિસ્તાન દૂતાવાસમાં તૈનાત દાનિશ સાથેનો સંબંધ પ્રકાશમાં આવ્યો હતો. એહસાન-ઉર-રહેમાન ઉર્ફે દાનિશ ISI એજન્ટ હતો. એજન્સીને મળેલી માહિતી અનુસાર, દાનિશ ઇસ્લામાબાદમાં ISI માં પોસ્ટેડ હતો. દાનિશ (DANISH) નો પાસપોર્ટ ઇસ્લામાબાદથી જ જારી કરવામાં આવ્યો હતો.
દાનિશને ભારતના વિઝા ૨૧ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ જારી કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં એજન્ટોને તેમની પોસ્ટ બદલીને તૈનાત કરે છે, જેના દ્વારા ISI એજન્ટો વિઝા મેળવવા આવતા લોકો અને સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર્સ સાથે મિત્રતા કરીને, તેમને બ્લેકમેઇલ કરીને, તેમને હની ટ્રેપમાં ફસાવીને અને પૈસાની લાલચ આપીને ભારત વિરુદ્ધ જાસૂસી કરવા દબાણ કરે છે.
જ્યોતિ મલ્હોત્રાએ કરી કબુલાત
આ પહેલા પણ પાકિસ્તાન પાકિસ્તાન હાઈ કમિશનમાં ISI એજન્ટોને તૈનાત કરી રહ્યું છે, જેનો ભારત વિરોધ કરી રહ્યું છે. જાસૂસીના આરોપમાં પકડાયેલી જ્યોતિ મલ્હોત્રાએ પોતાની કબૂલાતમાં કહ્યું છે કે તે પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારી દાનિશ સાથે સતત સંપર્કમાં હતી.
પૂછપરછ દરમિયાન જ્યોતિ મલ્હોત્રાએ જણાવ્યું કે તે ૨૦૨૩ માં પાકિસ્તાન જવા માટે વિઝા મેળવવા માટે દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશન ગઈ હતી. જ્યાં તેની મુલાકાત અહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે થઈ. દાનિશનો મોબાઇલ નંબર મેળવ્યા પછી, તેણે તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું.
જ્યોતિએ જણાવ્યું હતું કે દાનિશના કહેવાથી તે બે વાર પાકિસ્તાન ગઈ હતી. દાનિશના આગ્રહથી જ તે પાકિસ્તાનમાં અલી હસનને મળી, જેણે ત્યાં તેના રહેવા અને મુસાફરીની વ્યવસ્થા કરી. પાકિસ્તાનમાં, અલી હસન જ હતા જેમણે જ્યોતિની પાકિસ્તાની સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓ સાથે મુલાકાતનું આયોજન કર્યું હતું. ત્યાં જ તે શાકિર અને રાણા શાહબાઝને પણ મળી.