Last Updated on by Sampurna Samachar
વિડીયોના દ્રશ્યો જોવા મળ્યા ડરામણાં
તેજ અને અણધાર્યા મોજાં ખૂબ જ ખતરનાક હોય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્ડોનેશિયાના બાલી (BALI) માં આવેલું ફેમસ ટૂરિસ્ટ સ્પોટ એન્જલ્સ બિલાબોંગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. જે પાછળનુ કારણ એક ખતરનાક અકસ્માતનો વીડિયો છે, જે ટ્રાવેલ કન્ટેન્ટ ક્રિએટર કેટી જોહ્ન્સનનો છે. વીડિયોમાં તે આ સુંદર કુદરતી ભરતીના પૂલના કિનારે સેલ્ફી વીડિયો બનાવી રહી હતી, પરંતુ આંખના પલકારામાં એક મોજાએ આખો માહોલ બદલી નાખ્યો.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે, કેટી ખડકો પર મજાના મૂડમાં ઊભી રહીને સેલ્ફી લઈ રહી હતી. પછી અચાનક એક જોરદાર અને વિશાળ મોજું તેના પર અથડાયું. મોજું એટલું જોરદાર હતું કે કેટી પોતાની જાતને સંભાળી શકી નહીં અને તેનો કેમેરો સમુદ્રમાં પડી ગયો. વીડિયોનો છેલ્લો ભાગ ખૂબ જ ડરામણો છે, જેમાં પાણીના છાંટા, હડકંપ અને કેટીનો ડરી ગયેલો અવાજ સાંભળી શકાય છે. કેટીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ઇસ્ટરના દિવસે હું હમણાં જ ફરવા ગઈ હતી, પરંતુ એવું લાગ્યું કે સમુદ્રે મને કહ્યું છે કે આજે ભગવાનને મળવાનો સમય છે. એક મોજું આવ્યું જાણે તેને મારી સાથે જૂનો હિસાબ ચૂકવવો હોય.
આ સ્થળ પર ઘણાં પ્રવાસીઓએ ગુમાવ્યા છે જીવ
એન્જલ્સ બિલાબોંગ બાલીના નુસા પેનિડા ટાપુ પર સ્થિત એક કુદરતી ભરતીનો પૂલ છે, જે તેની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ તેના તેજ અને અણધાર્યા મોજાં ખૂબ જ ખતરનાક છે. કેટીએ જણાવ્યું હતું કે આ સ્થળે પહેલા પણ ઘણા પ્રવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
નવાઈની વાત એ છે કે ત્યાં ન તો કોઈ ચેતવણી બોર્ડ છે કે ન તો કોઈ સુરક્ષા કર્મચારી તૈનાત છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “આ જાણીને ખૂબ આઘાત લાગ્યો કે, આ સ્થળે પહેલા પણ ડઝનબંધ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પરંતુ ત્યાં કોઈ સુરક્ષા વ્યવસ્થા કે ચેતવણી બોર્ડ પણ નથી.”