Last Updated on by Sampurna Samachar
વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આરોપીની ધરપકડ
આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે બેંગલુરુ પોલીસે નવાઝ નામના યુવકની ધરપકડ કરી છે, જેણે સોશિયલ મીડિયા પર ભડકાઉ વીડિયો પોસ્ટ કર્યો હતો. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઘર પર બોમ્બ ફેંકવાની વાત કરી હતી. વીડિયો વાયરલ થયા બાદ મામલો વધુ ગરમાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે વીડિયોમાં નવાઝ પૂછતા જોવા મળ્યા હતા કે “પાકિસ્તાને હજુ સુધી વડા પ્રધાનના ઘર પર બોમ્બ(BOMB) કેમ નથી ફેંક્યા?”
આ વીડિયોને ભડકાઉ અને રાષ્ટ્રવિરોધી ગણાવતા, પોલીસે તાત્કાલિક કેસ નોંધ્યો અને ટેકનિકલ દેખરેખ પછી, બેંગલુરુના બાંદેપાલ્યા વિસ્તારમાં એક પીજીમાંથી આરોપીની ધરપકડ કરી.ઉલ્લેખનીય છે કે નવાઝ મૂળ ઇલેક્ટ્રોનિક સિટીનો રહેવાસી છે અને વ્યવસાયે કમ્પ્યુટર મિકેનિક છે. ધરપકડ બાદ, તેમને પરપ્પાના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
આવો વિડીયો પોસ્ટ કરવા શું કારણ હોઇ શકે ?
તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે નવાઝ સામે ટુમકુર જિલ્લામાં NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ પહેલાથી જ કેસ ચાલી રહ્યો છે. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે આવો વીડિયો કેમ પોસ્ટ કર્યો અને શું તેની પાછળ કોઈ ઊંડું કાવતરું છે.
સંયુક્ત પોલીસ કમિશનર રમેશ બાનોટે જણાવ્યું હતું કે, “તેણે વડા પ્રધાન વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેમાં કહ્યું હતું કે કંઈ કરવામાં આવ્યું નથી અને તેમના ઘર પર બોમ્બ ફેંકી દેવા જોઈએ. તેની ધરપકડ કરીને તેણે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.”
આ મામલો એવા સમયે પ્રકાશમાં આવ્યો છે જ્યારે થોડા અઠવાડિયા પહેલા જ કર્ણાટકના મેંગલુરુમાં ‘નિચ્ચુ મેંગલુરુ’ નામના ફેસબુક યુઝર વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. તેમના પર ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને યોગ્ય ઠેરવવાનો આરોપ હતો. ઉલ્લાલના રહેવાસીની ફરિયાદના આધારે ૨૫ એપ્રિલે દક્ષિણ કન્નડ જિલ્લા પોલીસે આ કેસ નોંધ્યો હતો. આરોપી પર ઇલેક્ટ્રોનિક માધ્યમથી રમખાણો ભડકાવવા અને અશાંતિ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.