Last Updated on by Sampurna Samachar
હેકર્સનુ જોખમ ટાળવા અમેરિકાએ લીધો નિર્ણય
વ્હાઇટ હાઉસમાં WHATS APP ના ઉપયોગ પર બેન લગાવાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
થોડા દિવસ પહેલા ઇરાનમાં વોટ્સએપને બેન કરવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે હવે અમેરિકાએ પણ વ્હાઇટ હાઉસમાં કામ કરતા કર્મચારીઓના સરકારી ડિવાઇસમાં વોટ્સએપ બેન કરી દીધું છે. વોટ્સએપની ડેટા ટ્રાન્સપરન્સી, મેસેજ સ્ટોરેજ ઇન્ક્રિપ્શન અને સાયબર સિક્યોરિટીમાં કેટલીક ખામીઓ હોવાનું કહીને સિક્યોરિટીને ધ્યાનમાં રાખી આ ર્નિણય લેવામાં આવ્યો છે.
હાઉસ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર દ્વારા આ મેમો આપવામાં આવ્યો છે. જેમાં તમામ સરકારી ડિવાઇસ પર વોટ્સએપને બેન કરવાનો ઉલ્લેખ છે. વ્હાઇટ હાઉસની સાયબર સિક્યોરિટી દ્વારા વોટ્સએપને હાઈ-રિસ્ક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. પ્લેટફોર્મ કેવી રીતે સેન્સિટિવ ડેટા હેન્ડલ કરે છે એ અંગે સ્પષ્ટતા ન હોવાને કારણે તેને હાઈ-રિસ્ક તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું છે.
વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ કર્યો વિરોધ
સરકારી મોબાઇલ, લેપટોપ અને કોમ્પ્યુટરો ઉપરાંત વેબ બ્રાઉઝરમાંથી પણ વોટ્સએપ તરત કાઢી નાખવા માટે જણાવ્યું છે. મેમોમાં કર્મચારીઓને માઇક્રોસોફ્ટ ટીમ્સ, સિગ્નલ, વિકર, IMESSAGE અને FACE TIME જેવા સિક્યોર વિકલ્પો અપનાવા માટે કહેવાયું છે. ત્યારે વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ આ ર્નિણયનો વિરોધ કર્યો છે. મેટાના પ્રવક્તાએ જણાવ્યું કે “વોટ્સએપમાં એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શન છે અને તે ઘણાં પ્લેટફોર્મ કરતાં વધુ મજબૂત પ્રાઇવસી સ્ટાન્ડર્ડ આપે છે.”
વ્હાઇટ હાઉસમાં હાલમાં ડિજિટલ સેફ્ટીને મહત્ત્વ આપવામાં આવી રહી છે. વોટ્સએપ પહેલાં પણ ટિકટોક, કેટલાક AI ટૂલ્સ, તેમજ માઇક્રોસોફ્ટ કોપાઇલોટ અને ડીપસીક પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તાજેતરમાં પેરાગોન સોલ્યુશન નામની ઇઝરાયેલી કંપની દ્વારા બનાવેલા સ્પાયવેરના સમાચાર આવ્યા છે, જેમાં યુઝરના સંપર્ક વિના “ઝીરો-ક્લિક” હુમલાથી વોટ્સએપ હેક કરી શકાય તેમ હોવાનું પ્રકાશમાં આવ્યું. તે કારણે અમેરિકાએ આ જોખમ ટાળવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી છે.