Last Updated on by Sampurna Samachar
MI ન્યૂ યોર્ક ટીમે નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા
MI ન્યૂ યોર્ક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની
(સંપૂર્ણ સમાચાર સેવા)
વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરને નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તે ફક્ત ૨૯ વર્ષનો છે. ચાહકો પણ તેને ટ્રોલ કરી રહ્યા હતા કે તેણે લીગ ક્રિકેટને પ્રાથમિકતા આપીને આટલી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દીધું. હવે તેની નિવૃત્તિના બીજા જ દિવસે, MI ન્યૂ યોર્ક ટીમે તેને એક મોટી જવાબદારી સોંપી છે, તેને તેના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.
નિકોલસ પૂરન ૨૦૨૩ અને ૨૦૨૪માં એક જ ફ્રેન્ચાઇઝ માટે રમ્યો હતો. ૨૦૨૩માં તેણે ૮ મેચમાં ૩૮૮ રન બનાવ્યા હતા, જ્યારે આગામી સિઝનમાં તેણે ૭ મેચમાં ૧૮૦ રન બનાવ્યા હતા. બંને સિઝનમાં, તેણે ૧ સદી અને ૩ અડધી સદીની ઇનિંગ્સ રમી છે.
આ સિઝનમાં તેની બેટિંગ શાનદાર રહી
નિકોલસ પૂરન મેજર લીગ ક્રિકેટમાં MI ન્યૂ યોર્ક ટીમનો નવો કેપ્ટન બન્યો છે, આ પહેલાં તેના દેશના કિરોન પોલાર્ડ આ ફ્રેન્ચાઇઝીના કેપ્ટન હતો. પોલાર્ડ મુંબઈ ઇન્ડિયન્સ માટે પણ રમી ચૂક્યો છે. MI ન્યૂ યોર્ક પણ મુંબઈની માલિકીની ટીમ છે, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની છે.
નિકોલસ પૂરન વિશ્વભરની ઘણી મોટી T૨૦ લીગમાં રમે છે. તે છેલ્લી ૩ સિઝનથી ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે રમી રહ્યો છે. આ સિઝનમાં તેની બેટિંગ શાનદાર રહી હતી. જોકે તેની ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવી શકી નહોતી. પૂરને IPL ૨૦૨૫માં રમાયેલી ૧૪ ઇનિંગ્સમાં ૫૨૪ રન બનાવ્યા હતા, જેમાં તેણે ૫ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.
પૂરને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે, આ આશ્ચર્યજનક સમાચાર હતા કારણ કે તે ફક્ત ૨૯ વર્ષનો છે. જ્યારે આ ઉંમરે ઘણા ક્રિકેટરો પોતાનું ડેબ્યૂ કરે છે.
આ પછી, સોશિયલ મીડિયા પર આ અંગે ચર્ચા પણ શરૂ થઈ, ઘણા લોકોએ કહ્યું કે પૈસાને મહત્વ આપતા, તેણે વેસ્ટ ઇન્ડીઝ ટીમ છોડી દીધી, જ્યાંથી તેને લીગ કરતાં ખૂબ ઓછા પૈસા મળે છે. IPL ૨૦૨૫ વિશે વાત કરતાં, તેને ફ્રેન્ચાઇઝી દ્વારા ૨૧ કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો.