Last Updated on by Sampurna Samachar
કોંગી નેતાએ અમેરિકાના ટ્રમ્પને આપ્યો સ્પષ્ટ સંદેશ
સંઘર્ષને લાંબો ખેંચવામાં અમારી રૂચિ નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનના આતંકવાદ વિશેની હકીકત જણાવવા પ્રતિનિધિમંડળને વિશ્વમાં મોકલવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા શશી થરૂરના નેતૃત્વમાં ભારતીય ડેલિગેશન બ્રાઝિલના બ્રાસીલિયામાં છે.
ત્યારે શશિ થરૂરે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (TRUMP) ને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ‘ભારત યુદ્ધ નથી ઈચ્છતું અને તેને સમજાવવા માટે કોઈની જરૂર નથી. ટ્રમ્પ સતત કહી રહ્યા છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરવા માટે મધ્યસ્થી કરી છે. તેઓ એવું પણ કહે છે કે, તેમણે બંને દેશના વેપારને બંધ કરવાની ચેતવણી પણ આપી હતી. આ વાત પાયાવિહોણી છે.
અમને રોકવા માટે કોઈને સમજાવવાની જરૂર નથી
થરૂરે બ્રાસીલિયામાં મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘અમેરિકન પ્રમુખના પદ માટે અમારા મનમાં ખૂબ જ સન્માન છે અને અમે આ સન્માનને ધ્યાનમાં રાખીને નથી બોલતા પરંતુ, વ્યાપક રીતે કહીએ તો આ બાબતે અમારી સમજ થોડી અલગ છે. અમને રોકવા માટે કોઈને સમજાવવાની જરૂર નથી.
જો અમેરિકન પ્રમુખ અથવા તેમના વરિષ્ઠ અધિકારીઓ તરફથી કોઈ સમજાવવાની જરૂર હોત, તો તે પાકિસ્તાનીઓને સમજાવવાનું હતું. અમને સમજાવવાની જરૂર નથી કારણ કે અમે યુદ્ધ નથી ઈચ્છતા. અમે વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. આ મૂળભૂત સંદેશ છે.
૭ મેની શરૂઆતથી જ અમે સતત કહ્યું હતું કે,સંઘર્ષને લાંબો ખેંચવામાં અમારી રૂચિ નથી. આ કોઈપણ પ્રકારના યુદ્ધની શરૂઆત નથી. આ ફક્ત આતંકવાદીઓ સામેનો બદલો છે. જો પાકિસ્તાને પ્રતિક્રિયા ન આપી હોત, તો અમે પણ પ્રતિક્રિયા ન આપત.‘
બ્રાસીલિયાની યાત્રા બાદ શશી થરૂરના નેતૃત્વમાં ડેલિગેશન પોતાની યાત્રાના અંતિમ તબક્કામાં અમેરિકા જશે. આ યાત્રાને લઈને તેમણે કહ્યું કે, ‘આ એક પડકારપૂર્ણ માહોલ છે, જોકે દુનિયા ન્યૂઝ જનરેટર છે તેથી અમારી સ્ટોરી કદાચ તેમના માટે સૌથી ઉપર ન હોય, પરંતુ જો અમે તેના ઉપર લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકીએ જે દક્ષિણ એશિયાની ચિંતા કરે છે, જે ભારતની ચિંતા કરે છે, જે આતંકવાદ સામેની લડાઈની ચિંતા કરે છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ‘અમે વોશિંગ્ટનની જનતાનો અભિપ્રાય, સરકારી અધિકારી, ધારાસભ્યો, સેનેટરો અને કોંગ્રેસમેન, ગૃહ અને સેનેટમાં વિવિધ સમિતિઓ, વોશિંગ્ટનમાં ખૂબ જ પ્રભાવશાળી થિંક ટેન્કો, ખાસ કરીને વિદેશ નીતિ, મીડિયા અને કેટલાક જાહેર સંબોધનો પર ધ્યાન કેન્દ્રિત કરતી સમિતિઓ સાથે બેઠકો કરીશું. મને છ અથવા સાત ઈન્ટરવ્યુ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ ઈન્ટરવ્યુ વ્યક્તિગત અમેરિકન ચેનલ અને બ્રોડકાસ્ટર્સ, પૉડકાસ્ટરોની દેન છે.‘
અમેરિકા વિશે વાત કરતા શશી થરૂરે કહ્યું કે, ‘અમેરિકા અમારા માટે તમામ પ્રકારે મહત્ત્વપૂર્ણ છે કારણ કે, સ્પષ્ટ રૂપે સુરક્ષા પરિષદ અમેરિકા સાથે અમારા સંબંધોનો એક નાનકડો ભાગ છે. અમરો સંબંધ ખૂબ બહોળો છે, ભલે તે વેપારની વાત હોય, સંરક્ષણની વાત હોય, ગુપ્ત જાણકારી શેર કરવાની વાત હોય કે ભલે G -૨૦ સ્ક્વૉડમાં અમારી ભાગીદારીની વાત હોય, આવા ઘણાં રસ્તા છે, જેમાં અમેરિકાએ અમારો સહયોગ કર્યો છે.
આ કોઈ સંયોગ નથી કે, પાકિસ્તાને પણ વિદેશમાં એક ડેલિગેશન મોકલ્યું છે પરંતુ, તે એટલા દેશમાં નથી જઈ રહ્યા જેટલા દેશમાં ભારતીય ડેલિગેશન જઈ રહ્યું છે. તે અમુક પ્રમુખ રાજધાનીઓ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે, જેમકે, વોશિંગ્ટન, બ્રુસેલ્સ અને લંડન.‘
વળી, થરૂરે જણાવ્યું કે, અમેરિકામાં ભારત અને પાકિસ્તાન બંનેના ડેલિગેશન હાજર રહેવાના છે. જોકે, આ એક રસપ્રદ વાત છે. કદાચ આ વિશે રસ વધશે કારણ કે, એક જ શહેર વોશિંગ્ટનમાં બે હરીફ પ્રતિનિધિમંડળ છે.