Last Updated on by Sampurna Samachar
પ્રદર્શનકારીઓએ ગૃહમંત્રીના ઘરને નિશાન બનાવ્યું
પોલીસ અને પ્રદર્શનકારીઓના ઘર્ષણમાં બે લોકોના મોતના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનમાં ફરી સ્થિતિ બગડવા તરફ આગળ વધી રહી છે. જ્યાં પાકિસ્તાન (PAKISTHAN) દેશમાં પાણીને લઈને હાહાકાર મચી ગયો છે. સિંધ અને પંજાબ વચ્ચે પાણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મામલો એટલો વધી ગયો કે લોકો વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતર્યા છે. પ્રદર્શનકારીઓએ સિંધ પ્રાંતના ગૃહમંત્રી જિયાઉલ હસન લંજરના ઘર પર હુમલો કર્યો હતો તેમજ પ્રદર્શનકારીઓએ ગૃહમંત્રીના ઘરને આગને હવાલે કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે પંજાબ અને સિંધમાં પાણીની વહેચણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મામલાને લઈને હિંસા ભડકી છે. બેકાબૂ ટોળાએ ગૃહમંત્રીના ઘરને નિશાન બનાવ્યું છે. ગૃહમંત્રીના ઘર પર હુમલો કરનાર પ્રદર્શનકારીઓ બંદૂકો લઈને પહોંચ્યા હતા. આ ક્ષેત્રમાં તણાવ વધી ગયો છે. ગરમી વધ્યા બાદ પાણીની સમસ્યા વધી છે. પાણીને લઈને ચાલી રહેલો વિવાદ હવે ઉગ્ર બની ગયો છે.
વિરોધ પ્રદર્શનને કારણે માહોલ ગરમાયો
મળતા એક રિપોર્ટ પ્રમાણે નૌશહરો ફિરોઝ જિલ્લાના મોરો તાલુકામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભયંકર ઘર્ષણ થયું છે. તેમાં ઓછામાં ઓછા બે પ્રદર્શનકારીઓના મોત થયા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ વિરોધ છ નહેરો અને કોર્પોરેટ ફાર્મિંગ પ્રોજેક્ટના વિરોધમાં કરવામાં આવ્યો હતો. કથિત રીતે પોલીસે પ્રદર્શનકારીઓને રાષ્ટ્રીય રાજમાર્ગ પર ધરણા દેતા રોકવા માટે બળ પ્રયોગ કર્યો હતો.
ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ સિંધના ગૃહમંત્રી જિયાઉલ હસનના ઘરમાં તોડફોડ કરી, રૂમ અને ફર્નીચરમાં આગ લગાવી હતી. જ્યારે ગૃહમંત્રીનો અંગત ગાર્ડ પહોંચ્યો તો પ્રદર્શનકારીઓએ તેને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જોઈ ગાર્ડે હવામાં ફાયરિંગ કર્યું હતું. પ્રદર્શનકારીઓએ એક લૂંટની ઘટનાને પણ અંજામ આપ્યો છે. તો હાઈવે પર ઉભેલા ટ્રકોમાં આગ લગાવી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં માહોલ ઉગ્ર બની ગયો છે.