Last Updated on by Sampurna Samachar
જૂનાગઢમાં રાજુ સોલંકીની ઓડિયો ક્લિપ વાયરલ થતા ખડભડાટ
ઓડિયો વાયરલ થતા એક વર્ષ જુના આત્મહત્યા તરીકે નોંધાયેલા કેસની તપાસ હવે હત્યાની દિશામાં કરાઈ રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત ભરમાં દલિત સમાજ માટે જાણીતો ચહેરો અને ગુજસિટોક હેઠળનો આરોપી રાજુ સોલંકી એક જૂનો કેસ મામલે ફરી વિવાદમાં આવ્યો છે. મેં ૨૦૨૫માં દાતાર વિસ્તારમાં મળેલા એક મૃતદેહ મામલે પોલીસે જે-તે સમયે આત્મહત્યાનો કેસ માની કેસ બંધ કરી દીધો હતો.

પરંતુ આ મામલે હાલ રાજુ સોલંકીનો એક ઓડિયો ક્લિપ વાયરલ થતા એક વર્ષ જુનો તે ચકચારી કેસ મામલે નવો વળાંક સામે આવ્યો છે અને તે કેસ આત્મ હત્યાનો નહીં પણ હત્યાનો, સાથે તે હત્યા પોતે રાજુ સોલંકીના ઈશારે થઈ હોવાની વાતો સમગ્ર પંથકમાં વહેતી થઈ છે, ત્યારે શું છે આખો મામલો ચાલો વિગતે જાણીએ.
સલીમ શેખનો મૃતદેહ મળ્યો
આખી ઘટનાની વિગતે વાત કરીએ તો, બનાવની શરૂઆત ગત ૧૪ મે ૨૦૨૫ના દિવસથી થઈ હતી. ૧૪ મે ૨૦૨૫ના રોજ જુનાગઢના સોનારડી ગામ નજીકથી દાતાર વિસ્તારમાં રહેતા સલીમ શેખનો મૃતદેહ મળ્યો હતો.
તે સમયે આ કેસને આત્મહત્યા તરીકે નોંધવામાં આવ્યો હતો. પરંતુ હવે આ મામલે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને જુનાગઢમાં દલિત સમાજનો ચર્ચિત રહેલો એવા રાજુ સોલંકી પોતે આ હત્યાની કબૂલાત કરી રહ્યા હોવાના તથ્યો હાલ વહેતા થયા છે.
ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ મુજબ, રાજુ સોલંકીની દીકરીને મૃતક સલીમ શેખના પુત્ર દ્વારા ભગાડવામાં આવી હતી. જેના કારણે મનદુ:ખમાં સોનારડી નજીક છોકરાના પિતાને લટકાવી દેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાના સમયે પણ કેટલાક શંકાસ્પદ મુદ્દાઓ સામે આવ્યા હતા.
મૃતકના પગ જમીન સાથે અથડાતા હોવાનું અને ફાંસો જે રીતે લાગેલો હતો તે શંકા ઉપજાવે તેવું હતું. તેમજ મૃતકનું માથું પણ વૃક્ષની ડાળી સાથે અડકતું હતું, જેનાથી આત્મહત્યાની થિયરી પર પ્રશ્નો ઊભા થયા હતા.
વધુમાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં રાજુ સોલંકી અને અન્ય વ્યક્તિ વચ્ચેની વાતચીતમાં રાજુ સોલંકી પોતાના ઘરમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરે છે. તે જણાવે છે કે તેની દીકરી એક મુસ્લિમ યુવક સાથે ભાગી ગઈ હતી.
ત્યારબાદ તે યુવકના પિતાનું મોત થયું હોવાની વાત કરે છે અને સોનારડી પાસે વૃક્ષ પર લટકાવવાની ઘટના અંગે સંકેત આપે છે, જ્યારે બહારથી તેને આત્મહત્યા તરીકે દર્શાવવામાં આવી હોવાનો દાવો કરે છે.