Last Updated on by Sampurna Samachar
બાંગ્લાદેશના રાજકીય હલચલ વચ્ચે શેખ હસીનાનુ નિવેદન
બાંગ્લાદેશમાં અસ્થિરતા જોવા મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે દેશની પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘યુનુસે આતંકવાદીઓની મદદથી બાંગ્લાદેશ (BANGLADESH) માં સત્તા હાંસલ કરી છે અને આમાંના ઘણા આતંકવાદી સંગઠનો એવા છે, જેમના પર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત છે.
પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ પોતાની ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, ‘યુનુસે સત્તા કબજે કરવા માટે પ્રતિબંધિત લોકોની મદદ લીધી હતી, જેમનાથી અમે અત્યાર સુધી બાંગ્લાદેશના લોકોને સુરક્ષિત રાખ્યા હતા. માત્ર એક આતંકવાદી હુમલા પછી અમે કડક પગલાં લીધા હતા. કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હવે બાંગ્લાદેશની જેલો ખાલી છે. યુનુસે આવા બધા લોકોને છુટા કરી દીધા છે અને હવે તે આતંકવાદીઓ બાંગ્લાદેશ પર રાજ કરે છે.
યુનુસે અવામી લીગ પર પ્રતિબંધ લગાવ્યો
શેખ હસીનાએ વધુમાં કહ્યું, ‘આપણા મહાન બંગાળી રાષ્ટ્રનું બંધારણ જે આપણે લાંબા સંઘર્ષ અને મુક્તિ યુદ્ધ દ્વારા હાંસલ કર્યું છે, આ ઉગ્રવાદી નેતા કે, જેમણે ગેરકાયદેસર રીતે સત્તા કબજે કરી છે, તેમને બંધારણને સ્પર્શ કરવાનો અધિકાર કોણે આપ્યો? યુનુસના મુખ્ય સલાહકાર પદ પર રહેવાનો કોઈ આધાર નથી અને તેનું કોઈ અસ્તિત્વ જ નથી.‘ શેખ હસીનાએ આરોપ લગાવ્યો હતો કે, યુનુસે અવામી લીગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશમાં વચગાળાની સરકારને હટાવવાની તૈયારીઓ ચાલી રહી છે. સેના અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ ડિસેમ્બર સુધીમાં ચૂંટણી કરાવવાની માંગ કરી છે. તેના પર વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે કહ્યું કે, જો તેમના પર ચૂંટણી કરાવવા અથવા કોઈપણ મુદ્દે બિનજરૂરી દબાણ લાવવામાં આવશે તો તેઓ જનતા સાથે મળીને જવાબી કાર્યવાહી કરશે.
શેખ હસીનાએ બાંગ્લાદેશની સત્તા છોડ્યા પછીથી બાંગ્લાદેશમાં અસ્થિરતા જોવા મળી રહી છે. દેશમાં શેખ હસીનાની સરકાર સામે હિંસક બળવો થયો હતો. જેના પછી તેમને ભારતમાં આશ્રય લેવો પડ્યો. બાંગ્લાદેશમાં ૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ બળવો થયો, ત્યારબાદથી શેખ હસીના ભારતમાં છે.