Last Updated on by Sampurna Samachar
પાવાગઢથી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત
મધ્યપ્રદેશ પરત ફરી રહેલા એક શ્રદ્ધાળુ પરિવારને દાહોદના ભીટોડી હાઈવે પર ગમખ્વાર અકસ્માત નડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરી મધ્યપ્રદેશ પરત ફરી રહેલા એક શ્રદ્ધાળુ પરિવારને દાહોદના ભીટોડી હાઈવે પર ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. માર્ગ પર ઉભેલા એક કન્ટેનરની પાછળ એક ફોર વ્હીલ કાર ધડાકાભેર અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ ભયાનક ટક્કરમાં કારમાં સવાર ૩ માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માતમાં અન્ય ૯ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ખાનગી હોસ્પિટલ લઈ જવાયા છે.
જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ બાળકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.