Last Updated on by Sampurna Samachar
હવે અમદાવાદ શહેરમાં AI થી થશે ટ્રાફિક કંટ્રોલ
આ સિસ્ટમ હાઇ-ટેક કેમેરા અને સેન્સરથી સજ્જ છે જે રસ્તા પર વાહનોની સંખ્યા, તેમની ગતિ અને ટ્રાફિક ભીડના સ્તર પર સતત દેખરેખ રાખે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
આજના સમયમાં મોટા શહેરોની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક જામ છે. લોકો રોજ સિગ્નલ પર લાંબા સમય સુધી ફસાયેલા રહે છે, જેનાથી સમય અને ફ્યુઅલ બંનેનો બગાડ થાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે જૂની રીતોને બદલે નવી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. અમદાવાદે આ દિશામાં એક મોટું ડગલું ભરતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરી છે, જે ટ્રાફિકને પોતાની મેળે નિયંત્રિત કરી શકે છે.

અમદાવાદમાં શરૂ કરવામાં આવેલી આ નવી સિસ્ટમ ‘એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ’ કહેવાય છે. તેને હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શહેરના લગભગ ૧૦ મુખ્ય જંકશન પર લગાવવામાં આવી છે. આ સિસ્ટમની સૌથી ખાસ વાત એ છે કે તે જૂની સિગ્નલ સિસ્ટમની જેમ ફિક્સ ટાઇમિંગ પર કામ નથી કરતી, પરંતુ રિયલ ટાઇમ ટ્રાફિકની સ્થિતિ મુજબ જાતે જ ર્નિણયો લે છે.
AI સિસ્ટમ તરત જ પ્રોસેસ
આ સિસ્ટમમાં હાઈ-ટેક કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે જે દરેક સમયે રોડ પર ચાલી રહેલા વાહનોની સંખ્યા, તેમની સ્પીડ અને ટ્રાફિકની ભીડનું સતત મોનિટરિંગ કરતા રહે છે. આ તમામ જાણકારીઓને AI સિસ્ટમ તરત જ પ્રોસેસ કરે છે અને નક્કી કરે છે કે કઈ દિશામાં સિગ્નલને વધુ સમય સુધી ગ્રીન રાખવું અને ક્યાં જલ્દી બદલવું?
ઉદાહરણ તરીકે, જો કોઈ એક રસ્તા પર ખૂબ વધારે વાહનો જમા થઈ ગયા છે અને બીજી તરફ રસ્તો લગભગ ખાલી છે, તો આ સિસ્ટમ આપમેળે વધુ ભીડવાળી દિશાને વધુ સમય આપશે. તેનાથી ત્યાં ઉભેલા વાહનોને જલ્દી નીકળવાની તક મળશે અને જામ વધવાનું ઓછું થઈ જશે.
પહેલાની સિસ્ટમમાં દરેક સિગ્નલનો સમય અગાઉથી ફિક્સ હતો, જેમ કે ૬૦ સેકન્ડ ગ્રીન રહેશે અને ૩૦ સેકન્ડ રેડ રહેશે, પછી ભલે રસ્તો ખાલી હોય કે ભરેલો હોય. આના કારણે ઘણીવાર લોકોએ કારણ વગર રાહ જોવી પડતી હતી. પરંતુ હવે આ છૈં સિસ્ટમના કારણે સિગ્નલનો સમય દરેક પળે બદલાઈ શકે છે, જેનાથી ટ્રાફિક વધુ સ્માર્ટ રીતે ચાલે છે.
આ નવી ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી ટ્રાફિક જામ ઓછો થશે, લોકોનો સમય બચશે અને વાહનોનું ફ્યુઅલ પણ ઓછું વપરાશે. જ્યારે વાહનો ઓછા રોકાશે અને વધુ સ્મૂધ રીતે ચાલશે, ત્યારે પ્રદૂષણ પણ ઘટશે. એટલે કે આ સિસ્ટમ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે.
આ ઉપરાંત, આ સિસ્ટમ ભવિષ્યમાં વધુ એડવાન્સ થઈ શકે છે. જેમ કે ઇમરજન્સી વાહનો એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ માટે રસ્તો ખાલી કરવો અથવા કોઈ ખાસ સમયે ટ્રાફિકને અગાઉથી મેનેજ કરવો. અત્યારે આ માત્ર એક ટ્રાયલ તરીકે શરૂ કરવામાં આવ્યું છે જેથી જાેઈ શકાય કે તે કેટલું અસરકારક છે. જાે તે યોગ્ય રીતે કામ કરશે તો આગામી સમયમાં તેને આખા શહેરમાં લાગુ કરી શકાય છે અને પછી બીજા શહેરો પણ આ મોડેલ અપનાવી શકે છે.