Last Updated on by Sampurna Samachar
અમેરિકા, ઈરાન અને ઇઝરાયેલના યુદ્ધના કારણે એક્સપોર્ટ ઠપ
નિકાસ બંધ થતાં લોકલ માર્કેટમાં માલનો ભરાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરીની સિઝન પુરબહારમાં શરૂ થઈ છે. જોકે અગાઉ પ્રતિકૂળ વાતાવરણને કારણે કેરીના પાકમાં નુકસાન વેઠી ચૂકેલા ખેડૂતોને હવે બમણો માર પડી રહ્યો છે. આ વખતે ખાડીના દેશોમાં યુદ્ધના માહોલને કારણે વલસાડની ખાડીના દેશોમાં થતું કેરીનું એક્સપોર્ટ વર્ષે અટકી ગયું છે. વધુમાં મુંબઈની બજારમાં પણ વલસાડની કેરીના ભાવ ઓછા મળતા વેપારીઓ પણ હવે ઓછા ભાવે કેરીની માંગ કરતા હોવાથી કેરીના ભાવ ગગડી ગયા છે. આથી ખેડૂતોએ ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે.

વલસાડ જિલ્લો વાડીઓનો પ્રદેશ છે, જ્યાં ૩૫,૦૦૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. દર વર્ષે હજારો ટન કેરીની અહીં ઉપજ થાય છે. વલસાડી આફુસ અને કેસર કેરીની ખાડીના દેશોમાં મોટી માગ હોય છે. જેથી વલસાડ જિલ્લાના ખેડૂતો ઊંચા ભાવે ખાડીના દેશોમાં કેરી એક્સપોર્ટ કરતા હતા અને સારી કમાણી થતી હતી, પરંતુ આ વર્ષે અમેરિકા, ઈરાન અને ઇઝરાયેલના યુદ્ધના કારણે એક્સપોર્ટ ઠપ થઈ ગયું છે.
માવજતનો ખર્ચો મુશ્કેલીથી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ
ખેડૂત અંકુર પટેલે જણાવ્યું હતું કે, અમારી કેસર આફૂસ કેરીની ખૂબ માગ હોય છે, પણ આ વર્ષે યુદ્ધના કારણે એક્સપોર્ટ થતું નથી અને કેરીના સ્ટોકનો ભરાવો થઈ રહ્યો છે. ભાવ પણ મળતો ન હોવાથી અમને ખૂબ નુકસાન જઈ રહ્યું છે. દુબઈ પણ અમે કેરી એક્સપોર્ટ કરતા હતા તે પણ નથી જતી અને મુંબઈ વલસાડ મોકલેલી કેરીઓ પણ આગળ જતી નથી. જ્યારે સ્થાનિકો કેરીઓ ખરીદે છે પણ પુરતા પ્રમાણમાં ભાવ આવતો નથી.
એક્સપોર્ટ થતી કેરીઓ બંધ થઈ જતા અહીંયાની સ્થાનિક માર્કેટમાં કેરીના માલનો ભરાવો થયો છે. જેથી કેરીના ભાવ ઓછા થઈ ગયા છે. મુંબઈથી ખરીદી માટે આવતા વેપારીઓ પણ હવે આવા માહોલમાં ઊંચા ભાવ આપવા તૈયાર નથી. શરૂઆતમાં પ્રતિકૂળ વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન થયું હતું. જાેકે, હવે યુદ્ધના કારણે એક્સપોર્ટ અટકી જતાં વધુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
વેપારી મુસ્તાક અલીએ જણાવ્યું હતું કે, અમારી વલસાડી આફુસ કેરીની આરબ કન્ટ્રી અને ખાસ કરીને યુરોપમાં પણ ખૂબ માગ હતી. પહેલા અમને ૧૫૦૦ થી ૧૮૦૦નો ભાવ મળતો હતો, પણ આ વર્ષે જે યુદ્ધ ચાલુ છે તેના કારણે એક્સપોર્ટ થતું નથી જેથી લોકલ માર્કેટમાં જ કેરી વેચાવા આવી રહી છે. જેના પરિણામે માર્કેટમાં કેરીનો એટલો બધો ભરાવો થઈ ગયો છે કે ભાવ સતત ગગડી રહ્યાં છે અને જોવે તે ભાવ નથી મળી રહ્યો. માવજતનો ખર્ચો મુશ્કેલીથી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો યુદ્ધનો વિરામ આવે તો બચેલી ૩૦-૪૦ ટકા કેરીમાં વળતર મળે તેવી આશા છે.