Last Updated on by Sampurna Samachar
૩૩ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો
યુવાનના પરિવાર જનોની પૂછપરછ હાથ ધરાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મૂળ મધ્યપ્રદેશના ભોપાલનો વતની અને અહીં પોતાના મોસાળમાં રહેવા આવેલા એક ૩૩ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. યુવાનના આ આકસ્મિક પગલાથી પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ઘટનાની મળતી માહિતી મુજબ, ૩૩ વર્ષીય રાહુલ મટાણી નામનો યુવક મૂળ ભોપાલનો રહેવાસી હતો અને હાલ દાહોદના ગોધરા રોડ પર આવેલા તેના નાના-નાની અને મામાના ઘરે રહેતો હતો. કોઈ અગમ્ય કારણોસર રાહુલે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે પરિવારજનોને આ બાબતની જાણ થઈ ત્યારે દોડધામ મચી ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં યુવકે જીવ ગુમાવી દીધો હતો.
દાહોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો
રાહુલ મટાણીએ કયા સંજોગોમાં અને કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દાહોદ પોલીસ દ્વારા આ મામલે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવક માનસિક તણાવમાં હતો કે અન્ય કોઈ અંગત કારણ હતું, તે દિશામાં પોલીસે પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે. ભોપાલમાં રહેતા તેના વાલી-વારસોને પણ જાણ કરવામાં આવી છે. એક યુવાન દીકરાના મોતના સમાચારથી તેના વતનમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.