Last Updated on by Sampurna Samachar
ભાજપ, કોંગ્રેસ અને આપના અનેક મોટા માથાઓને જનતાએ આપ્યો સીધો જાકારો
પૂર્વ IPS મનોજ નિનામા હોય કે પછી નયનાબા જાડેજા જેવા ચર્ચિત ચહેરા, સૌને આ ચૂંટણીમાં હારનો કડવો ઘૂંટડો પીવો પડ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આ વખતની ચૂંટણીમાં જનતાનો મિજાજ કંઈક અલગ જ જોવા મળ્યો છે. વર્ષોથી રાજકારણમાં જામેલા દિગ્ગજો, પૂર્વ અધિકારીઓ, સેલિબ્રિટીઝ અને મોટા નેતાઓના સગા-સંબંધીઓને મતદારોએ સીધો જાકારો આપી દીધો છે. પછી તે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, કોઈ પણ પક્ષના ‘મોટા માથાઓ‘ આ વખતે હારમાંથી બચી શક્યા નથી. ભૂપત ભાયાણી જેવા પૂર્વ ધારાસભ્ય હોય, પૂર્વ IPS મનોજ નિનામા હોય કે પછી નયનાબા જાડેજા જેવા ચર્ચિત ચહેરા, સૌને આ ચૂંટણીમાં હારનો કડવો ઘૂંટડો પીવો પડ્યો છે.

ભૂપત ભાયાણી: વર્ષ ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ‘આપ‘ની ટિકિટ પર જીતેલા ભૂપત ભાયાણીએ બાદમાં પક્ષપલટો કરી ભાજપનો ખેસ પહેર્યો હતો. જો કે ભાજપે તેમને વિધાનસભા પેટાચૂંટણીમાં ટિકિટ ન આપતા, જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેંસાણ બેઠક પરથી મેદાને ઉતાર્યા હતા. પરંતુ જનતાએ તેમને નકારી દેતા તેમણે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.
લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરી સોનલ ડેરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા
મનોજ નિનામા: નિવૃત્તિના માત્ર ૩ મહિના પહેલા જ ફઇજી લઈને સવારે ભાજપમાં જોડાયા અને સાંજે ટિકિટ મેળવી લેનારા પૂર્વ IPS મનોજ નિનામાની પણ હાર થઈ છે. તેઓ અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી લડ્યા હતા, જ્યાં તેમને ૨૭૦૦ મતોથી પરાજયનો સામનો કરવો પડ્યો છે.
સોનલ ડેર: ભાજપે અમરેલી જિલ્લાની લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર ખ્યાતનામ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરી સોનલ ડેરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમને પણ હારનો સામનો કરવો પડ્યો છે.
કોંગ્રેસના દિગ્ગજો અને સેલિબ્રિટીઝનો રકાસ:નયનાબા જાડેજા: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને કેબિનેટ મંત્રી રિવાબા જાડેજાના નણંદ નયનાબાને કોંગ્રેસે રાજકોટ મનપાના વોર્ડ નંબર ૨ માંથી મેદાનમાં ઉતાર્યા હતા. ક્ષત્રિય આંદોલન વખતે ચર્ચામાં આવેલા નયનાબા ભાજપના આ મજબૂત ગઢમાં હારી ગયા છે.
અમી રાવત: વડોદરા શહેરમાં વર્ષોથી કોંગ્રેસને જીવંત રાખનાર અને મનપાના પ્રથમ મહિલા વિપક્ષી નેતા અમી રાવત આ વખતે હારી ગયા છે. ૨૦૧૫ અને ૨૦૨૧ માં વોર્ડ નંબર ૧ માંથી જીતનાર અમીબેનને આ વખતે સામાન્ય પુરુષ કેટેગરીમાં લડાવવામાં આવ્યા હતા, જ્યાં આક્રમક નેતાની છાપ હોવા છતાં તેઓ હારી ગયા.
બાળા સાહેબ સૂર્વે: વડોદરા મનપાના વોર્ડ ૧૩ માં છેલ્લી ૨ ટર્મથી જીતતા અને લોકોમાં ‘૧૦૮‘ તરીકે જાણીતા કોંગ્રેસના દિગ્ગજ નેતા બાળા સાહેબ સૂર્વે ૨૦૨૬ ની પોતાની આ ચોથી ચૂંટણીમાં હારી ગયા છે.
વશરામ સાગઠિયા: રાજકોટ મનપામાં સતત ૩ ચૂંટણી જીતનાર અને પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની પણ હાર થઈ છે. તેઓ વચ્ચે ‘આપ‘માં જઈને ફરી કોંગ્રેસમાં આવ્યા હતા અને વોર્ડ ૧૫ માંથી લડ્યા હતા.
આરજે આભા: કોંગ્રેસે રાજકોટના વોર્ડ નંબર ૧૦ માં રેડિયો જોકી અને સોશિયલ મીડિયા સ્ટાર આરજે આભા પર સેલિબ્રિટી કાર્ડ ખેલ્યું હતું, પરંતુ લોકોએ તેમને મત ન આપતા તેમની હાર થઈ છે.
ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણી: રાજકોટ કોંગ્રેસના દિગ્ગજોને પણ મોટો ફટકો પડ્યો છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા વોર્ડ ૩ માંથી હારી ગયા છે. તો એ જ વોર્ડમાંથી કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અતુલ રાજાણી પણ હારી ગયા છે, જેની પાછળ પક્ષનો આંતરિક ડખો જવાબદાર મનાય છે.
ભરતસિંહ ચૌહાણ: લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના નાના ભાઈ ભરતસિંહ પોતાની પહેલી જ ચૂંટણી હારી ગયા છે. મહીસાગર જિલ્લા પંચાયતની વીરણીયા બેઠક પર તેમની માત્ર ૧૮૬ મતોથી હાર થઈ છે.
આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓને પછડાટ:
મનોજ સોરઠિયા: ગુજરાત પ્રદેશ AAP ના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા પોતાની પહેલી જ ચૂંટણી હારી ગયા છે. પાટીદારોના ગઢ ગણાતા સુરત મનપાના વોર્ડ ૪ માંથી તેઓ મેદાનમાં હતા, પરંતુ ૨૦૨૧ જેવો જાદુ ન ચાલતા તેમને પછડાટ મળી છે.
પાયલ સાકરિયા: વર્ષ ૨૦૨૧ માં સુરત મનપામાં જ્યારે AAP ને ૨૭ બેઠકો મળી હતી, ત્યારે યુવા ચહેરા તરીકે પાયલ સાકરિયા જીત્યા હતા અને વિપક્ષના નેતા પણ બન્યા હતા. આ વખતે તેઓ સુરતના પુણા પશ્ચિમ વોર્ડ ૧૬ માંથી મેદાનમાં હતા, પરંતુ તેમને પરાજયનો સામનો કરવો પડ્યો છે.