Last Updated on by Sampurna Samachar
આ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM મોદી
બંને નેતાઓએ ચિંતા વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયપ્રસની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે આતંકવાદ અને યુદ્ધને લઈ મહત્તવનું નિવેદન આપ્યું છે. તેમણે અને સાયપ્રસ (Cyprus) ના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડેસે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી સંબોધન કર્યું છે. સાયપ્રસે આતંકવાદ વિરુદ્ધ લડી રહેલા ભારતને સમર્થન આપતા વડાપ્રધાને આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને લઈ ચિંતા વ્યક્ત કરી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘હું મારા ભવ્ય સ્વાગત બદલ સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જ્યારેથી મેં સાયપ્રસની ધરતી પર પગ મૂક્યો છે, ત્યારથી અહીંના રાષ્ટ્રપ્રમુખ અને અહીં લોકોએ પોતાનાપણું અને સ્નેહ દેખાડ્યો છે. મને થોડા સમય પહેલા જ સાયપ્રસના સર્વોચ્ચ સન્માનથી બિરદાવવામાં આવ્યો છે. આ માત્ર મારું સન્માન નહીં, ૧૪૦ કરોડ ભારતીયોનું સન્માન છે. આ ભારત અને સાયપ્રસની અતૂટ મિત્રતા પરની મહોર છે. આ માટે હું ફરી હૃદયથી આભાર વ્યક્ત કરું છું.’
રાષ્ટ્રપ્રમુખ સાથે દ્વિપક્ષીય સંબંધો અંગે વ્યાપક ચર્ચા કરી
તેમણે કહ્યું કે, ‘ અમે સાઈપ્રસ સાથેના સંબંધોને વધુ મહત્ત્વ આપીએ છીએ. બંને દેશોએ લોકશાહી અને રૂલ ઓફ લૉ જેવા મૂલ્યોમાં રાખેલો સહિયારો વિશ્વાસ આપણી ભાગીદારીનો મજબૂત આધાર છે. બંને દેશોની મિત્રતા પરિસ્થિતિથી કારણે ઉભી થઈ નથી અને સરહદોથી પણ બંધાયેલી નથી. આ મિત્રતાને સમયની કસોટી પર વારંવાર પારખવામાં આવી છે અને અમે દરેક સમયે સહયોગ, સન્માન અને સમર્થનની ભાવનાને જીવંત રાખી છે. અમે એકબીજાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરીએ છીએ.’
PM મોદીએ કહ્યું કે, ‘ભારતના કોઈ વડાપ્રધાને બે દાયકાના લાંબા સમય બાદ સાયપ્રસની યાત્રા કરી છે. જે એકબીજાના સંબંધોમાં નવો અધ્યાય લખવાનો ઉત્તમ અવસર છે. મેં અને રાષ્ટ્રપ્રમુખે દ્વિપક્ષીય સંબંધો અંગે વ્યાપક ચર્ચા કરી છે. સાઈપ્રસનું ‘વિઝન-૨૦૩૫’ અને ભારતનું વિઝન ‘વિકસિત ભારત ૨૦૪૭’ ઘણા પાસાઓમાં સમાન છે, તેથી અમે સાથે મળીને ભવિષ્યને આકાર આપીશું. અમે આગામી પાંચ વર્ષો માટેનો એક ચોક્કસ રૉડમેપ તૈયાર કરીશું. દ્વિપક્ષીય સંરક્ષણ અને સુરક્ષામાં સહયોગ વધારવા તેમજ મજબૂત બનાવવા માટે ‘ડિફેન્સ કો-ઓપરેશન પ્રોગ્રામ’ હેઠળ સંરક્ષણ ઉદ્યોગને મહત્ત્વ આપીશું. આ ઉપરાંત બંને દેશો વચ્ચે સાયબર અને મેરીટાઇમ સિક્યોરિટી પર ડાયલોગ શરૂ કરવામાં આવશે.’
તેમણે કહ્યું કે, ‘સરહદ પારના આતંકવાદ સામે ભારતની લડાઈમાં સાયપ્રસના સતત સમર્થન બદલ અમે આભારી છીએ. આતંકવાદ, ડ્રગ્સ અને હથિયારોની તસ્કરી અટકાવવા માટે બંને દેશોની એજન્સીઓ વચ્ચે રિયલ ટાઈમ ઈન્ફોર્મેશન એક્સચેન્જ માળખું તૈયાર કરવામાં આવશે. સાયપ્રસનો યોગ અને આયુર્વેદનો પ્રચાર જોઈ અમે ઉત્સાહિત થયા છીએ.
ભારતીય પ્રવાસીઓ માટે સાયપ્રસ પણ એક પ્રિય સ્થળ છે. આ માટે અમે ડાયરેક્ટર એર કનેક્ટિવિટી બનાવવા પર ધ્યાન આપીશું. અમે ર્નિણય કર્યો છે કે, મોબોલિટી એગ્રીમેન્ટને પૂર્ણ કરવા માટે વહેલામાં વહેલી તકે કામ કરવામાં આવશે. યુરોપિયન યુનિટનમાં સાયપ્રસ વિશ્વસનીય ભાગીદાર છે.
સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડેસ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ યુદ્ધનો યુગ નથી. પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષ મામલે અમે બંને દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. અમે બંને દેશો માનીએ છીએ કે, આ યુદ્ધનો યુગ નથી.
વાતચીતથી સમાધાન અને સ્થિરતા ઉભી કરી શકાય છે અને તે જ માનવતા છે. અમે ભૂમધ્ય સાગર વિસ્તારમાં કનેક્ટિવીટ વધારવા માટે પણ ચર્ચા કરી છે. યુએનને સમકાલીન બનાવવા માટે જરૂરી સુધારાઓ પર અમે સમાન મંતવ્યો ધરાવીએ છીએ. સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ આપવા બદલ અમે સાયપ્રસના આભારી છીએ.