Last Updated on by Sampurna Samachar
ગત વર્ષે થયેલા હિંસક બળવામાં થયા અનેક લોકોના મોત
હસીના સામે દાખલ કેસમાં ફાંસીની સજાનો ઉલ્લેખ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં આશરો લઈ રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના વિરુદ્ધ તેમના દેશમાં ફાંસીની સજા જેવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશનું આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે હસીના વિરુદ્ધ માનવતા વિરુદ્ધના ગંભીર આરોપ દાખલ કર્યા છે. બાંગ્લાદેશી મીડિયાના અહેવાલો મુજબ ગત વર્ષે દેશભરમાં થયેલા બળવા દરમિયાન હસીના (HASINA) એ નરસંહાર કરવાનો આદેશ આપ્યો હોવાને આક્ષેપ કરાયો છે. મુખ્ય ફરિયાદી મોહમ્મદ તાજુલ ઈસ્લામ અને તેમની ટીમે હસીના વિરુદ્ધ આ આરોપો રજૂ કર્યા છે.
મળતા રિપોર્ટ મુજબ ફરિયાદીઓ હસીનાને તે હિંસક કાર્યવાહી બદલ જવાબદાર ઠેરવ્યા છે, જેમાં અનેક સામાન્ય નાગરિકોના મોત થયા હતા. આ કેસમાં હસીનાના બે પૂર્વ સહયોગી પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાન ખાન કમાલ અને પૂર્વ પોલીસ વડા ચૌધરી મમૂને પણ સહ-આરોપી દર્શાવાયા છે. ફરિયાદ ઈસ્લામે કહ્યું કે, ‘પુરાવાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આ કાર્યવાહી શેખ હસીનાના ઈશારા પર કરવામાં આવી હતી. આ એક મોટો હુમલો હતો અને તેનું નેતૃત્વ શેખ હસીના દ્વારા કરવામાં આવ્યું હતું.
શેખ હસીના હજુ ભારતમાં
અગાઉ ૧૨ મે એ બાંગ્લાદેશ હિંસાનો રિપોર્ટ સામે આવ્યો હતો. આ રિપોર્ટમાં કહેવાયું છે કે, જુલાઈ અને ઓગસ્ટમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન હત્યાઓના જવાબદાર શેખ હસીનાને ઠેરવવામાં આવ્યા હતા. તેમાં એમ પણ કહેવાયું છે કે, શેખ હસીનાએ સુરક્ષા દળોને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.
બાંગ્લાદેશમાં જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ભારે હિંસાઓ થઈ હતી. ટોળું છેક શેખ હસીનાના નિવાસસ્થાન સુધી પહોંચી ગયું હતું. મામલો એટલો ગંભીર થઈ ગયો હતો કે, શેખ હસીનાએ પાંચમી ઓગસ્ટે દેશ છોડીને ભારતમાં આશરો લેવો પડ્યો હતો, જે હજુ પણ ભારતમાં જ છે.
માનવતા વિરુદ્ધ ગુનાઓ એ ફાંસીની સજા જેવા કાયદામાં ઉલ્લેખીત છે. બાંગ્લાદેશમાં CRIMES AGNAIST HUMANITY એટલે કે માનવતા વિરુદ્ધનો ગુનો આંતરરાષ્ટ્રીય ગુનાઓ (ટ્રિબ્યુનલ્સ) અધિનિયમ, ૧૯૭૩ (INTERNATIONAL CRIMES TRIBUNALS) ACT , ૧૯૭૩) હેઠળ આવે છે. આ કાયદો ૧૯૭૧માં બાંગ્લાદેશમાં થયેલા મુક્તિ સંગ્રામમાં થયેલા ગુનાઓ, જેવા કે નરસંહાર, યુદ્ધ ગુનાઓ અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે બનાવાયો હતો. ત્યારબાદ આ કાયદો લાગુ કરવા માટે આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ICT)ની સ્થાપના કરવામાં આવી હતી.
ICT આવા ગુનાઓની તપાસ તેમજ કેસ ચલાવે છે. બાંગ્લાદેશમાં આ કાયદા હેઠળ ગુનેગાર સાબિત થયેલાઓને સજા-એ-મોતની જોગવાઈ છે. મોટાભાગના કેસોમાં દોષિત ઠેરવાયેલા વ્યક્તિઓને મોતની સજા આપવામાં આવી શકે છે, જેને સામાન્ય રીતે ફાંસી દ્વારા લાગુ કરવામાં આવે છે. આ ઉપરાંત આજીવન જેલની સજા પણ ફટકારવામાં આવે છે. જોકે આ ગુનો ગંભીરતા અને પરિસ્થિતિઓ પર ર્નિભર છે.