Last Updated on by Sampurna Samachar
કંગના અને પવન કલ્યાણ સહિતનાએ તેને છોડવા કરી અપીલ
આ ધરપકડને લઇને વિવાદ સર્જાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સોશિયલ મીડિયા પર વીડિયો બનાવનાર શર્મિષ્ઠા પંચોલીની કોલકાતા પોલીસ દ્વારા ગુરૂગ્રામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ ધરપકડને લઇને વિવાદ સર્જાયો છે. ભાજપના નેતાઓએ શર્મિષ્ઠાને છોડી મુકવાની માંગ કરી છે.
શર્મિષ્ઠા પૂણેમાં કાયદાનો અભ્યાસ કરી રહી છે. તેણે તાજેતરમાં પાકિસ્તાન, રણવીર અલ્હાબાદીયા, બોલિવૂડના કલાકારો અંગે વીડિયો બનાવ્યા હતા. જે બાદ તેની ભારે ટિકા થઇ રહી હતી. જોકે હવે તેની ધરપકડ થતા વિવાદ સર્જાયો છે.
૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાઇ
પાકિસ્તાન સાથે ઘર્ષણ દરમિયાન શર્મિષ્ઠાના ત્રણ વીડિયો વાયરલ થયા હતા, જેમાં એક વીડિયોમાં તે બોલિવૂડના ત્રણેય ખાન અંગે અપશબ્દો બોલી રહી છે, બીજા વીડિયોમાં તે યુટયુબર રણવીર અલ્હાબાદીયાને અપશબ્દો બોલી રહી છે, જ્યારે ત્રીજા વીડિયોમાં તે આડકતરી રીતે મોહમ્મદ પયગંબર, ઇસ્લામ અંગે વાંધાજનક શબ્દો બોલી રહી છે.
શર્મિષ્ઠા સામે કોલકાતામાં ફરિયાદ દાખલ થઇ હતી, જે બાદ કોલકાતા પોલીસે તેની ધરપકડ કરી હતી. કોલકાતાની સ્થાનિક કોર્ટે શર્મિષ્ઠાને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. જોકે આ ધરપકડનો હવે વિરોધ થઇ રહ્યો છે.
ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રાણાવતે શર્મિષ્ઠાનું સમર્થન કર્યું હતું અને તેને છોડી મુકવા અપીલ કરી હતી. આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે પણ શર્મિષ્ઠાને સમર્થન કર્યું હતું અને ધરપકડ પર સવાલ ઉઠાવ્યા હતા. નેધરલેન્ડ (ડચ) ના સાંસદ અને રાઇટ વિંગ પાર્ટીના નેતા ર્ગિટ વિલ્ડર્સ પણ શર્મિષ્ઠાના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું અને તેને છોડવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે શર્મિષ્ઠાએ જે કહ્યું તે સાચુ છે, તેની ધરપકડ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ છે. બીજી તરફ શર્મિષ્ઠાના જે વીડિયોને લઇને વિવાદ થઇ રહ્યો છે તેને શર્મિષ્ઠાએ સોશિયલ મીડિયા પરથી હટાવી લીધો છે.