Last Updated on by Sampurna Samachar
કેનેડિયનના વિદેશમાં જન્મેલા બાળકની નાગરિકતાના નિયમો બદલાયા
BILL C-3 નામે પ્રસ્તાવ રજૂ કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલમાં જ કેનેડાએ ‘નવું નાગરિકતા બિલ’ નો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઇમિગ્રેશન મંત્રી લેના મેટલેજ ડાયાબ દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આ બિલમાં વારસાગત ધોરણે કેનેડિયન નાગરિકતા મેળવવાના વર્તમાન નિયમને નાબૂદ કરવાની વાત કરવામાં આવી છે.
વર્ષ ૨૦૦૯ માં રજૂ કરાયેલા નિયમ મુજબ કેનેડાની બહાર જન્મેલા કોઈપણ કેનેડિયન નાગરિકના વિદેશમાં જન્મેલા કે દત્તક લેવાયેલા બાળકને કેનેડાની નાગરિકતા મળતી નહોતી. હવે આ નિયમમાં સુધારો કરવાની રજૂઆત કરાઈ છે.
માતા-પિતાએ કેનેડા સાથે ‘નોંધપાત્ર જોડાણ’ દર્શાવવું પડશે
કેનેડાના વર્તમાન નાગરિકતા કાયદા મુજબ વારસાગત નાગરિકતા ફક્ત કેનેડામાં જન્મેલી પ્રથમ પેઢી સુધી જ મર્યાદિત છે. તેથી કેનેડાની બહાર જન્મેલા કોઈપણ કેનેડિયન નાગરિક પોતાની નાગરિકતા વિદેશમાં જન્મેલા (કે દત્તક લીધેલા) પોતાના બાળકને આપી શકતા નથી. વર્ષ ૨૦૦૯માં સંસદમાં રજૂ કરાયેલા આ કાયદામાં રહેલી ભૂલને સુધારવા માટે BILL C-3 નામે પ્રસ્તાવ રજૂ કરાયો છે.
નવા કાયદા મુજબ માતા-પિતાએ કેનેડા સાથે ‘નોંધપાત્ર જોડાણ’ દર્શાવવું પડશે. બાળકના જન્મ અથવા દત્તક લેવાયાના ઓછામાં ઓછા ૧,૦૯૫ દિવસ (ત્રણ વર્ષ) પહેલા માતા-પિતાની કેનેડામાં હાજરી હોવી જોઈએ. તેનો અર્થ એ છે કે વિદેશમાં જન્મેલા બાળકોને હવે કેનેડિયન નાગરિક હોવાને બદલે કેનેડામાં રહેઠાણના આધારે નાગરિકતા અપાશે.
અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ઇમિગ્રેશન નીતિઓને કડક બનાવાતા એની પ્રતિકૂળ અસર ભારતીયોને પડી રહી છે, ત્યારે કેનેડામાં ઇમિગ્રેશન બાબતે થવા જઈ રહેલા આ સુધારાને કારણે ભારતીય ઇમિગ્રન્ટ્સ (સહિત તમામ ઇમિગ્રન્ટ સમુદાયો)ને લાભ થવાની અપેક્ષા છે, કારણ કે કેનેડા સાથે નોંધપાત્ર સંબંધ ધરાવતા કેનેડિયન નાગરિકોના ભારતમાં જન્મેલા સંતાનો હવે ઝ્ર-૩ બિલના આધારે કેનેડિયન નાગરિકતા માટે પાત્ર બનશે. આ લાભ પ્રથમ પેઢી પછી વિદેશમાં દત્તક લેવાયેલા બાળકોને પણ મળશે.
આ પ્રસ્તાવિત બિલ હાલમાં કાયદાકીય સમીક્ષા હેઠળ છે. તેને કાયદો બનવા માટે ત્રણ રેટિંગ પસાર કરવા પડશે અને પછી શાહી સંમતિ મેળવવી પડશે. એમ થઈ જાય તો કેનેડાની સરકાર આ બિલને શક્ય એટલું ઝડપથી લાગુ કરવા ઈચ્છુક છે.