Last Updated on by Sampurna Samachar
નબળા રસ્તાના કારણે એક જ ખાડામાં ૪ લોકો ખાબક્યા
હૃદયકંપાવનારી ઘટના CCTV માં કેદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન એક્શન પ્લાનના લીરેલીરા ઊડી ગયા છે. શહેરના ઓઘડનગર પંથકમાં ગટર અને રસ્તાના નબળા કોન્ટ્રાક્ટના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ અહીં ગટર લાઈનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ભ્રષ્ટ નીતિના કારણે રોડનું રિસરફેસિંગ કે પુરાણ વ્યવસ્થિત કરવામાં આવ્યું ન હતું.

છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે ઓઘડનગરના આ અડધા ખોદાયેલા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તો સમથળ દેખાતો હોવાના કારણે વાહનચાલકો સામાન્ય ગતિએ ત્યાંથી પસાર થાય છે, પરંતુ જેવો તેમનો વ્હીલ ગટરના એ શંકાસ્પદ ખાડા પર પહોંચે છે કે તરત જ આખું વાહન પલટી ખાઈ જાય છે.
લોકોના વિરોધને પગલે પાલિકાની ટીમ દોડતી થઇ
માહિતી મુજબ ઓઘડનગરમાં આ પ્રકારે એક જ સ્થળે માત્ર ગણતરીના કલાકોમાં ચાર અલગ-અલગ વાહનચાલકો જોરદાર રીતે પટકાયા હતા. સદનસીબે સ્થાનિક લોકો આસપાસ હાજર હોવાથી તેમણે તાત્કાલિક દોડીને ખાડામાં ખાબકેલા મહિલા અને પુરુષ વાહનચાલકોને બહાર કાઢ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે.
આ આખી હૃદયકંપાવનારી ઘટના નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે મનપાની લાપરવાહી નિર્દોષ નાગરિકોના હાડકાં તોડવાનું કામ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફૂટેજ વાયરલ થયા બાદ જૂનાગઢની જનતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે.
લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે “ખાડો ખોદે કોઈ અને પડે કોઈ!” ટેક્સના કરોડો રૂપિયા ચૂકવવા છતાં જનતાને આવા બિસ્માર રસ્તા અને હોસ્પિટલના ખાટલા જ નસીબ થતા હોય, તો આ તંત્ર શા કામનું? હાલમાં લોકોના ભારે વિરોધને જોતાં મનપાની ટીમ દોડતી થઈ છે, પરંતુ કાયમી ઉકેલ ક્યારે આવશે તે મોટો સવાલ છે.