Last Updated on by Sampurna Samachar
તુર્કીયેના કોમ્યુનિકેશન ડિરેક્ટોરેટે આરોપોને ફગાવ્યા
ટિપ્પણી કરવી અમારા અધિકારક્ષેત્રની બહાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનર વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં મૃતકાંક ૨૭૮ ને સ્પર્શી ગયો છે. આ વિમાન ક્રેશ થયા પછી એવી ચર્ચા થઈ હતી કે એર ઈન્ડિયાના વિમાનનું મેન્ટેનન્સ તુર્કીયેની કંપની પાસે હોવાથી, તેણે કોઈ ષડયંત્ર ઘડ્યું હોય. જોકે, આ અંગે તુર્કીયેની પ્રતિક્રિયા સામે આવી છે. તુર્કીયેના કોમ્યુનિકેશન ડિરેક્ટોરેટે ‘X‘ પર પોસ્ટ કરીને લખ્યું ‘તુર્કિશ ટેકનિક દ્વારા બોઈગ ૭૮૭-૮ પેસેન્જર વિમાનનું મેન્ટેનન્સ કરવામાં આવ્યો હોવાના તમામ દાવા ખોટા છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં તુર્કીયેની કંપનીનું નામ ચર્ચામાં આવતા તુર્કીયેના કોમ્યુનિકેશન ડિરેક્ટોરેટે ‘X‘ પર પોસ્ટ કરીને લખ્યું ‘અમદાવાદમાં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનના મેન્ટેનન્સ તુર્કિશ ટેકનિક પાસે નહોતું. આવા તમામ દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે.
ભારતે તુર્કીયેનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું
૨૦૨૪-૨૫માં એર ઈન્ડિયા અને તુર્કિશ ટેકનિક વચ્ચે થયેલા કરારો હેઠળ, ખાસ કરીને B777 પ્રકારના વાઇડ-બોડી વિમાનોનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. ક્રેશ થયેલ બોઈગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર આ કરારમાં આવતું નથી.
વધુમાં તેણે લખ્યું કે, ‘જોકે અમને ખબર છે કે ક્રેશ થયેલા વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપની કરી રહી હતી, પરંતુ આ બાબતો પર ટિપ્પણી કરવી અમારા અધિકારક્ષેત્રની બહાર છે. અમદાવાદ વિમાન દુર્ઘટના અત્યંત દુ:ખદ હતો. આ દુ:ખની ઘડીમાં અમારી સંવેદના ભારતના લોકો સાથે છે.
અહેવાલો અનુસાર, તુર્કીયેની કંપની તુર્કિશ ટેકનિક એક ગ્લોબલ એવિએશન સર્વિસ પ્રદાતા છે. કેટલીક ભારતીય એરલાઇન્સ પણ તેની સેવાઓ લે છે. આ કંપની એર ઈન્ડિયાના બોઈંગ ૭૭૭ નું મેન્ટેનન્સ કરતા હતા. જોકે, એર ઈન્ડિયા તુર્કીયેની કંપની તેમજ ભારતની એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ અને કેટલાક અન્ય દેશો દ્વારા પણ વિમાનોનું મેન્ટેનન્સ કરાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં તુર્કીયેએ પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું, જેના કારણે ભારતે તુર્કીયેનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે એર ઈન્ડિયાએ પણ તુર્કિશ ટેકનિક સાથેના કરાર ખતમ કર્યા હતા.