Last Updated on by Sampurna Samachar
ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-૫ સામે આકરા પાણીએ
જુનાગઢના ઝાંઝરડા ગામના ખેડૂતો સહિત સ્થાનિક આગેવાનોનો કાફલો તેમના વાંધા સૂચનો રજૂ કરવા જુડા ઓફિસે પહોંચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જુનાગઢના ઝાંઝરડા ગામના ખેડૂતો સહિત સ્થાનિક આગેવાનોનો કાફલો તેમના વાંધા સૂચનો રજૂ કરવા જુડા ઓફિસે પહોંચ્યો હતો. ઝાંઝરડા ગામની ટીપી સ્કીમ ૫ મુદ્દે ખેડૂતોમાં રોષનો માહોલ છે. આરોપ છે કે ૧૯૭૬ના કાયદાનું ખોટું અર્થઘટન કરીને આ ટીપી સ્કીમ બનાવવામાં આવી છે. જેમાં ખેડૂતોની ૪૦ ટકા જમીન કપાતમાં જઈ રહી છે.

આ જમીનનું તો ખેડૂતોને વળતર ચૂકવવામાં નહીં જ આવે પણ, સાથે જ ૯૦૦ કરોડ રૂપિયાનો જંગી ડેવલપમેન્ટ ચાર્જ પણ, ખેડૂતો પાસેથી વસૂલવાની તંત્રએ તૈયારી કરી છે. ખેડૂતોનો આરોપ છે કે તંત્ર દ્વારા નકશા તૈયાર કરી ખેડૂતોને બતાવી દેવાયા છે અને જણાવી દેવાયું કે સાત દિવસમાં વાંધા અરજી રજૂ કરી દે. હવે ખેડૂતોને જેમા કંઈ સમજ જ નથી પડી રહી તો તે વાંધા અરજી કેવી રીતે રજૂ કરે તેવો સવાલ પણ ખેડૂતો કરી રહ્યા છે.
ખેડૂતો અને સમર્થકોનો આરોપ છે કે ખેતીની જમીન બિન ખેતીમાં કેમ ફાળવાઈ રહી છે? ખેતીની જમીનના ઓછા ભાવ જ્યારે નક્શા તૈયાર કર્યા બાદ તેની ફાળવણી કરીને ઊંચા ભાવ વસુલાતા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. ઝાંઝરડાના ખેડૂતોએ જુડામાં આવેદન પત્ર આપી સમગ્ર મામલે રજૂઆત કરી છે. આ તરફ જુડાના અધિકારીઓનું કહેવુ છે કે ખેડૂતો પાસેથી વાંધા અરજી મેળવ્યા બાદ અખબારમાં જાહેરાત અપાતી હોય છે અને એક મહિના સુધી આ વાંધા અરજી અંગે ચર્ચા કરી અંતિમ ર્નિણય લેવાતો હોય છે.