Last Updated on by Sampurna Samachar
માત્ર ૧૧૧ જ દિવસમાં આ પુલ તૂટી પડ્યો
સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગરના દહેગામમાંથી સરકારી કામોમાં ચાલતા લોલમલોલ અને ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. દહેગામ-નરોડા હાઇવે પર નર્મદા કેનાલ પર આવેલા રાયપુર કેનાલ બ્રિજની સાઇડની પેરાપીટનો એક મોટો હિસ્સો અચાનક કડાકાભેર ધરાશાયી થઈ ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે, લાખો રૂપિયાના આંધણ કર્યા બાદ બ્રિજ શરૂ થયાના માત્ર ૧૧૧ જ દિવસમાં આ પુલ તૂટી પડ્યો છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રાયપુર કેનાલ બ્રિજ ભારે જર્જરિત હોવાના કારણે તેના સમારકામ માટે તેને આશરે એક વર્ષ સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો હતો. આ એક વર્ષ દરમિયાન સ્થાનિક લોકો અને વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવી હતી.
સ્થાનિક જનતામાં તંત્ર સામે પ્રચંડ રોષ
લાખો રૂપિયાના ખર્ચે આ પુલનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં આ બ્રિજનો મોટો હિસ્સો તૂટી પડતાં આ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.જ્યારે આ બ્રિજનું રિપેરિંગ કામ પૂર્ણ થયું, ત્યારે નર્મદા કેનાલના ઉચ્ચ અધિકારીઓ અને સરકારી બાબુઓ દ્વારા મીડિયા સમક્ષ મોટા-મોટા દાવા કરવામાં આવ્યા હતા.
અધિકારીઓએ મગરૂરીપૂર્વક જણાવ્યું હતું કે, બ્રિજનું બબ્બે વાર કડક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને હવે આ પુલને વર્ષો સુધી કંઈ જ નહીં થાય. જોકે, માત્ર ૧૧૧ દિવસમાં જ પુલની દીવાલ ધરાશાયી થતાં સરકારી બાબુઓના આ પોકળ દાવાઓ હવામાં ઓગળી ગયા છે, અને તેમની મિલીભગત ખુલ્લી પડી ગઈ છે.
ધોળે દિવસે હાઇવે પર બ્રિજનો આટલો મોટો હિસ્સો તૂટવાની ઘટનાને પગલે વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા છે. જો આ દીવાલ ચાલુ ટ્રાફિકે કોઈ વાહન પર પડી હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. આ ઘટનાને પગલે સ્થાનિક જનતામાં તંત્ર સામે પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. લોકો હવે માગ કરી રહ્યા છે કે, કોન્ટ્રાક્ટર અને મિલીભગત ધરાવતા સરકારી એન્જિનિયરો-બાબુઓ સામે તાત્કાલિક તપાસ કમિટી બેસાડીને કડક કાયદેસરના પગલાં ભરવામાં આવે.