PM નરેન્દ્ર મોદીએ ચંડીગઢની મુલાકાત દરમિયાન જણાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના ચંડીગઢની મુલાકાત કરી હતી . અહીં તેમણે ત્રણ નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણના લોકાર્પણ પ્રસંગે નાગરિકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘વર્તમાન સમયમાં દેશ વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે અને બંધારણના ૭૫ વર્ષ પણ પૂરા થયા છે, ત્યારે હાલના સમયમાં બંધારણની ભાવનાથી પ્રેરિત ‘ભારતીય ન્યાયિક સંહિતા’નો પ્રારંભ થવો, બહુ મોટી વાત છે. હવે ગરીબો કોર્ટ-કચેરીમાં પગ મૂકતાં ગભરાશે નહીં, સમય પર ન્યાય મળશે.’
તેમણે કહ્યું કે, ‘અગાઉના સમયમાં ગુનેગારો કરતા નિર્દેષોમાં વધુ ડર રહેતો હતો. અનેક મહત્ત્વના કાયદાઓ ચર્ચાથી દૂર રખાયા હતા. દેશમાં કલમ-૩૭૦, ત્રિપલ તલાક પર ઘણી ચર્ચા થઈ અને હવે વક્ફ સંશોધન વિધેયક પર ચર્ચા થઈ રહી છે. દેશના નાગરિકોએ આપણા બંધારણમાં જે કલ્પના કરી હતી, તેને પૂરા કરવાનો આ ચોક્કસ પ્રયાસ છે. હું હંમેશા સાંભળતો આવ્યો છું કે, કાયદાની નજરમાં બધા સમાન હોય છે, પરંતુ વ્યવહારિક સત્ય કંઈક અલગ જ હોય છે. કાયદો તમામ પેઢી પ્રત્યેની સંવેદનાઓથી પરિપૂર્ણ છે.
તેમણે કહ્યું કે, ‘દેશની આઝાદી પછીના સાત દાયકામાં ન્યાય વ્યવસ્થા સામે પડકારો હતા, જેના પર અમે ઊંડાણપૂર્વક ચર્ચા કરી. અમે તમામ કાયદાની વ્યવહારિક સ્થિતિ જોયા બાદ તેમાં ફેરફાર કરી તેને કડક બનાવ્યા અને હવે તેનું પરિણામ ભારતીય ન્યાયિક સંહિતાના રૂપે આપણી સામે આવ્યું છે. હું આ માટે સુપ્રીમ કોર્ટ, માનનીય ન્યાયાધીશો, દેશની તમામ હાઈકોર્ટોનો વિશેષ આભાર વ્યક્ત કરું છું.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘અનેક દાયકાઓની ગુલામી બાદ આપણો દેશ ૧૯૪૭માં આઝાદ થયો. અનેક પેઢીઓએ રાહ જોયા બાદ, લોકોના બલિદાન બાદ આઝાદીની સવાર પડી. તે વખતે લોકોમાં કેવા સ્વપ્નો હતા, દેશમાં કેવો ઉત્સાહ હતો. દેશવાસીઓએ વિચાર્યું હતું કે, અંગ્રેજો ગયા છે, તો અંગ્રેજી કાયદાઓમાંથી પણ મુક્તી મળશે. અંગ્રેજો આ કાયદાના માધ્યમથી અત્યાચાર અને શોષણ કરતા હતા. આ કાયદા ત્યારે બનાવવામાં આવ્યા હતા જ્યારે બ્રિટિશ સરકાર ભારત પર પોતાનો દબદબો જાળવી રાખવા કંઈ પણ કરવા તૈયાર હતી.
વડાપ્રધાને કહ્યું કે, હવે મહિલાઓ સામે દુષ્કર્મ જેવા જઘન્ય અપરાધોમાં પહેલી સુનાવણીના ૬૦ દિવસની અંદર આરોપ ઘડવો જ પડશે. સુનાવણી શરૂ થયાના ૪૫ દિવસમાં ચુકાદો આપવાનું પણ ફરજિયાત કરાયું છે. એ પણ નક્કી કરાયું છે કે, કોઈપણ કેસની સુનાવણી બે વખતથી વધુ મુલતવી રખાશે નહીં. ભારતીય ન્યાયિક સંહિતાના મૂળ મંત્ર નાગરિકોની પ્રાથમિકતા છે. આ કાયદાઓ પ્રજાના અધિકારોના રક્ષક બની રહ્યા છે અને ન્યાયની પહોંચની સુવિધા આપે છે. પહેલા FIR નોંધવી ઘણી મુશ્કેલ હતી, પરંતુ હવે શૂન્ય એફઆઈઆરને પણ કાનૂની સ્વરૂપ અપાયું છે. હવે ગમે ત્યાંથી કેસ દાખલ કરવાની સુવિધા મળી છે. FIR ની નકલ પીડિતને મળવી જોઈએ, તેઓ અધિકાર અપાયો છે. હવે આરોપી વિરુદ્ધનો કેસ પડતો મૂકવો હોય તો પીડિતાની સંમતિ મળે, ત્યારે જ પડતો મૂકાશે. આ ઉપરાંત પોલીસ પોતાની ઈચ્છા મુજબ કોઈપણ વ્યક્તિને અટકાયતમાં લઈ શકશે નહીં.
તેમણે કહ્યું કે, ‘જો કોઈ રસ્તા પર અકસ્માતનો ભોગ બને તો લોકો તેની મદદ કરતા પણ ડરતા હતા. તેમને લાગે છે કે, તેઓ આ ઝંઝટમાં ફસાઈ જશે, જોકે હવે આવી મદદ કરનારા લોકો આવી ઝંઝટમાંથી મુક્ત થઈ ગયા છે. બ્રિટિશ શાસનના ૧૫૦૦થી વધુ જૂના કાયદાઓ નાબૂદ કરાયા છે. જ્યારે કલમ ૩૭૦ અને ટ્રિપલ તલાકને નાબૂદ કરાઈ ત્યારે ઘણી ચર્ચા થઈ હતી. આ દિવસોમાં વકફ બોર્ડ સાથે જોડાયેલા કાયદા પર ચર્ચા ચાલી રહી છે. આપણે તે કાયદાઓને સમાન મહત્વ આપવું જોઈએ જે નાગરિકોના ગૌરવ અને આત્મસન્માનને વધારવા માટે બનાવવામાં આવે છે.’
PM મોદીએ કહ્યું કે, ‘ચંદીગઢમાં વાહન ચોરીના મામલામાં કેસ નોંધાયા બાદ કોર્ટે માત્ર બે મહિના અને ૧૧ દિવસમાં સજા સંભળાવી અને તેને સજા પણ મળી ગઈ. અશાંતિ ફેલાવનાર અન્ય એક આરોપીને પણ માત્ર ૨૦ દિવસમાં સંપૂર્ણ સુનાવણી બાદ કોર્ટમાં સજા ફટકારાઈ હતી. દિલ્હીમાં પણ એક કેસમાં એફઆઈઆરથી ર્નિણય લેવામાં માત્ર ૬૦ દિવસનો સમય લાગ્યો હતો. આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારાઈ હતી. બિહારના છપરામાં એક હત્યા કેસમાં FIR થી ચુકાદો આવવામાં માત્ર ૧૪ દિવસનો સમય લાગ્યો હતો અને આરોપીઓને આજીવન કેદની સજા જાહેર કરાઈ હતી. આ ર્નિણય ન્યાયિક સંહિતાની તાકાત અને અસર દર્શાવે છે.