Last Updated on by Sampurna Samachar
શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત રબારીએ આપ્યું રાજીનામું
ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર ૧૧ બેઠકો મેળવવામાં સફળ
(સંપૂર્ણ સમાચાર સેવા )
ગાંધીનગરના દહેગામમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ ના પરિણામો બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં કોંગ્રેસના અપેક્ષા કરતા નબળા પ્રદર્શન બાદ દહેગામ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઈ રબારીએ નૈતિકતાના ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

દહેગામ નગરપાલિકાની કુલ ૨૮ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર ૧૧ બેઠકો મેળવવામાં સફળ રહી હતી. બહુમતી ન મળતા અને પક્ષને સત્તામાં ન લાવી શકવા બદલ ભરતભાઈએ ખેદ વ્યક્ત કર્યો છે. તેમણે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકીને પત્ર લખીને જણાવ્યું છે કે, અથાગ પ્રયત્નો છતાં અમે સત્તા મેળવી શક્યા નથી, જેની જવાબદારી સ્વીકારી હું પદ પરથી રાજીનામું આપું છું.
હવે કોણ સંભાળશે દહેગામ કોંગ્રેસનુ સુકાન ?
લાંબા સમયથી સંગઠનમાં સક્રિય એવા ભરતભાઈ રબારીના અચાનક રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં અને કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે. નૈતિકતાના આધારે પદ છોડવાના તેમના આ ર્નિણયની રાજકીય વિશ્લેષકો પ્રશંસા પણ કરી રહ્યા છે. હવે દહેગામ કોંગ્રેસનું સુકાન કોને સોંપવામાં આવશે, તેના પર સૌની નજર ટકેલી છે.