Last Updated on by Sampurna Samachar
પંજાબના CM ભગવંત માને PM મોદી પર કર્યા પ્રહારો
દિલજીત દોસાંજની ફિલ્મ વિશે આપ્યુ નિવેદન
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલય પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે, શું ભારતની વિદેશ નીતિનો ઉદ્દેશ માત્ર પ્રચાર કરવાનો છે? વડાપ્રધાન એવા દેશોની મુલાકાત કરી રહ્યા છે, જેનું નામ પણ લોકો જાણતા નથી. માને કટાક્ષ કરતાં કહ્યું કે, વડાપ્રધાન બે દેશો વચ્ચેનું યુદ્ધ રોકી શકે છે, તો પછી પંજાબ અને હરિયાણા વચ્ચેના મુદ્દાઓને કેમ ઉકેલતા નથી?

પંજાબ વિધાનસભામાં હાસ્ય કલાકારમાંથી નેતા બનેલા માને કહ્યું કે, એવું લાગે છે કે, જ્યારે વડાપ્રધાન પોતાના વિમાનમાં ઉડાન ભરી રહ્યા હોય છે, ત્યારે નીચે જુએ છે અને પૂછે છે કે, આ કયો દેશ છે? તેમને જવાબ મળે છે કે, આ ફલાણો દેશ છે. તો તેઓ કહે કંઈ વાંધો નહીં, આપણે જ્યાં જઈ રહ્યા છીએ, ત્યાં એક કલાક મોડા પહોંચીશું, ચલો અત્યારે હાલ આપણે આ દેશમાં ઉતરીએ. આવી જ રીતે તેઓ પાકિસ્તાનમાં પણ ઉતર્યા હતા. તેઓ ૧૪૦ કરોડની વસ્તી ધરાવતા દેશમાં રહેતા નથી, અને એવા દેશોનો પ્રવાસ કરી રહ્યા છે, જેના નામ પણ ઘણા લોકોને ખબર નથી.
કલાને રાજકારણથી દૂર જ રાખવી જોઈએ
ભગવંત માને ૨૦૧૫માં PM મોદીની પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, વડાપ્રધાન અમસ્તા જ પાકિસ્તાન ગયા હતા. આમંત્રણ વિના તેઓ ત્યાં ગયા અને બિરયાની જમીને પરત આવ્યા. આપણે પાકિસ્તાન જઈ શકતા નથી. પરંતુ તેઓ ત્યાં ઉતરાણ કરી મુલાકાત લઈ શકે છે.
નોંધનીય છે, ૨૦૧૫માં વડાપ્રધાન મોદી રશિયાના પ્રવાસેથી અને અફઘાનિસ્તાનમાં થોડો સમય રોકાણ કર્યા બાદ ભારત પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક પાકિસ્તાનમાં ઉતરાણ કર્યું હતું.
વિદેશ મંત્રાલયે ભગવંત માનના નિવેદનને બેજવાબદાર અને ખેદજનક ગણાવ્યું છે. આ નિવેદન માત્ર ભારતના રાજદ્વારી અભિગમને પડકારતું જ નથી, પરંતુ એક નવો રાજકીય મુદ્દો ઊભો કરે છે. જેની ચારેકોર ચર્ચા શરુ થઈ છે.
તદુપરાંત ભગવંત માને દિલજીત દોસાંજની અપકમિંગ ફિલ્મમાં એક પાકિસ્તાની અભિનેતાની ભૂમિકા પર ચાલી રહેલા વિવાદ પર પણ ટિપ્પણી કરી કે, આ ફિલ્મનું શુટિંગ પહેલાંથી જ થઈ ગયું હતું. હવે તેને ગદ્દાર સાથે જોડવી અયોગ્ય છે. ક્યારેક દિલજીતને લોકો ગદ્દાર કહે છે, તો ક્યારેક સરદાર. આ બેવડું વલણ ફિલ્મ જગત જ નહીં પણ સમાજમાં પણ અસમંજસ ઊભી કરે છે. કલાને રાજકારણથી દૂર જ રાખવી જોઈએ.