Last Updated on by Sampurna Samachar
ફિલિપાઇન્સ દ્વારા ભારતીયો માટે વિઝા ફ્રી લાગુ કરાયું
નવી સુવિધા ૮ જૂનથી અમલમાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હવે જો તમે વિદેશ પ્રવાસ જવા માંગો છો તો વધુ એક દેશ દ્વારા ભારતીયો માટે વિઝા ફ્રી કરવામાં આવ્યા છે. જેમાં ફિલિપાઇન્સ સરકારે ૧૪ દિવસ માટે વિઝા-મુક્ત પ્રવેશને મંજૂરી આપીને ભારતીય પ્રવાસીઓને મોટી ભેટ આપી છે. આ નવી સુવિધા ૮ જૂનથી અમલમાં આવી ગઇ અને ભારતીય પ્રવાસીઓને કોઈપણ વિઝા અરજી વિના સીધા દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
આ પહેલી વાર છે. જ્યારે ફિલિપાઇન્સ (Philippines) માં ભારત જેવા મોટા પર્યટન બજાર માટે વિઝા-મુક્ત નીતિ લાગુ કરવામાં આવી છે. આ પાછળનો હેતુ પર્યટનને પ્રોત્સાહન આપવાનો અને ભારતથી દક્ષિણ-પૂર્વ એશિયામાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવાનો છે. ગયા વર્ષના ડેટા અનુસાર, ભારતથી ફિલિપાઇન્સમાં જતા પ્રવાસીઓની સંખ્યામાં લગભગ ૧૨% નો વધારો થયો હતો.
ટાપુઓ અને સુંદર દરિયાકિનારા માટે પ્રખ્યાત ફિલિપાઇન્સ
માત્ર એટલું જ નહીં, જે ભારતીયો પાસે US , UK , જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અથવા શેંગેન દેશના માન્ય વિઝા છે તેમને ૩૦ દિવસ માટે ફિલિપાઇન્સમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. તેનો અર્થ એ કે જેઓ પહેલાથી જ આંતરરાષ્ટ્રીય વિઝા ધારકો છે, તેમના માટે આ એક મોટી તક બની જાય છે.
ફિલિપાઇન્સના આ પગલાથી ભારતીય પ્રવાસીઓ માટે વિદેશ પ્રવાસ સરળ બનશે એટલું જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચે પ્રવાસન, વેપાર અને સાંસ્કૃતિક સંબંધો પણ મજબૂત બનશે. તેના ટાપુઓ અને સુંદર દરિયાકિનારા માટે પ્રખ્યાત ફિલિપાઇન્સ હવે ભારતીય પ્રવાસીઓની ટોચની યાદીમાં સામેલ થઈ શકે છે.