Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યા સંકેત
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં યોજાયેલ કાર્યક્રમમાં કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે સામાન્ય જનતાને ટૂંક સમયમાં રાહત મળી શકે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંકેત આપ્યો છે કે તાજેતરમાં ઓછા ભાવે ખરીદેલું ક્રૂડ ઓઇલ ભારતીય રિફાઇનરીઓ સુધી પહોંચ્યા પછી ફ્યુઅલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં એક કાર્યક્રમમાં બોલતા પુરીએ જણાવ્યું હતું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં ઊંચા ભાવે ખરીદેલા ક્રૂડ ઓઇલનું પ્રોસેસિંગ કરી રહી છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારના ભાવમાં તાજેતરમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચવામાં થોડો સમય લાગશે. તેમણે કહ્યું કે, ઓછા ભાવે ખરીદેલું ક્રૂડ ઓઇલ કંપનીઓ સુધી પહોંચી જાય પછી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.
દરરોજ આશરે રૂ.૧,૦૦૦ કરોડનું નુકસાન સહન કરે છે
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં ભારે અસ્થિરતા અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવ છતાં ભારતમાં ફ્યુઅલના ભાવ મોટાભાગે નિયંત્રણમાં રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ઘણી વખત પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો ખાસ કરીને નવેમ્બર ૨૦૨૧, મે ૨૦૨૨ અને ત્યારબાદ ગ્રાહકો પરનો બોજ ઓછો કર્યો હતો. પુરીના મતે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકંદર વધારો મર્યાદિત રહ્યો છે અને ભારતીય ગ્રાહકોને વૈશ્વિક પરિસ્થિતિની તુલનામાં પ્રમાણમાં ઓછી અસરનો સામનો કરવો પડ્યો છે.
તેમણે જણાવ્યું કે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં દરરોજ આશરે રૂ.૧,૦૦૦ કરોડનું નુકસાન સહન કરી રહી છે. તેમ છતાં સરકારે ખાતરી આપવાનો પ્રયાસ કર્યો છે કે વૈશ્વિક સ્તરે ઓઈલના ભાવમાં વધારો થવાનો સંપૂર્ણ બોજ સામાન્ય લોકો પર ન પડે.
તાજેતરના અઠવાડિયામાં પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને તેલ પુરવઠા અંગે અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. આની ભારતમાં ફ્યુઅલના ભાવ પર પણ અસર પડી છે. નિષ્ણાતો માને છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ નીચા રહે છે, તો નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત શક્ય છે.