Last Updated on by Sampurna Samachar
મોતને ભેટેલા બીજે મેડિકલ કોલેજના મૃતકના પરિજનોને સહાય કરવા માંગ
બે ડોક્ટર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ એર ઈન્ડિયા ફ્લાઈટ AI ૧૭૧ દુર્ઘટનાની તપાસ અને વળતર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. બે ડોક્ટર દ્વારા સુપ્રીમ કોર્ટ (SUPREME COURT) માં આ દુર્ઘટનામાં મોતને ભેટેલા બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ, રેસિડન્ટ ડોક્ટર્સના પરિવારજનોને રૂ. ૫૦ લાખનું વચગાળાનું વળતર આપવાની માંગ સાથે અપીલ થઈ છે.
અપીલમાં માંગ કરી છે કે, સુપ્રીમ કોર્ટ પ્રત્યેક મૃતકના પરિવારજનો (બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ)ને રૂ. ૫૦ લાખ સુધીનું વચગાળાનું વળતર ચૂકવવા કેન્દ્ર સરકારને આદેશ આપે. કેન્દ્ર સરકારને આ મામલે એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાતની સમિતિ રચવા પણ ફરજ પાડે. જેમાં સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના રિટાયર્ડ જજ, વિમાન તજજ્ઞ, અર્થશાસ્ત્રી અને વીમા નિષ્ણાત સામેલ થાય. આ સમિતિ પીડિત પરિવારોને વળતર આપવાનો ર્નિણય લે. આ ર્નિણય લેવા માટે તેઓ ત્રિવેણી કોડકની ફજ એર ઈન્ડિયા લિ. કેસમાં સુપ્રીમ કોર્ટના સ્થાપિત સિદ્ધાંતોનું અનુસરણ કરે.
એર ઈન્ડિયાનું આ વિમાન ૧૧ વર્ષ જૂનુ હતું
અપીલમાં પીડિતો માટે ઝડપથી વળતર નિર્ધારિત કરવાની પણ માંગ થઈ છે. જેથી પીડિત પરિવારોએ લાંબી કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડે નહીં. બિલ્ડિંગ અને રહેણાંક વિસ્તારના મૃતકોના પરિવારજનોના પુનર્વસન સહાયતા અને રોજગારીની તકો પ્રદાન કરે. અરજદારોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરી છે કે, આ દુર્ઘટનાના કારણોની ઊંડી અને સચોટ તપાસ માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપે તેમજ ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે આવશ્યક પગલાં લે.
અમદાવાદમાં પ્લેન ક્રેશમાં ૨૬૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં ૨૪૧ લોકો પ્લેનમાં સવાર હતા, જ્યારે અન્ય ૨૪ સ્થાનિકો ક્રેશનો ભોગ બન્યા હતાં. એર ઈન્ડિયાનું આ વિમાન ૧૧ વર્ષ જૂનુ હતું. જે ટૅકઑફની બે મિનિટમાં જ ધડાકાભેર બીજે મેડિકલની હોસ્ટેલમાં અથડાયું હતું. તેની આસપાસની ઈમારતોમાં પણ નુકસાન થયુ હતું. જ્યાં વિમાનનું બ્લેક બોક્સ કાટમાળમાંથી મળી આવ્યું છે. જેના પરથી દુર્ઘટનાનું કારણ જાણવામાં મદદ મળશે.